રાજકોટ,
સાયબર ક્રાઇમને લગતાં ગુનાની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આવી જ એક ઘટના રાજકોટમાં પ્રકાશમાં આવી છે. રાજકોટ સાયબર ક્રાઇમ દ્વારા ઇલેક્ટ્રીક બાઈકની એજન્સી આપવાના બહાને છેતરપિંડી કરનારા બિહારના ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. કઈ રીતે ત્રણેય વ્યક્તિઓએ સમગ્ર ગુનાને અંજામ આપ્યો? તે પણ ચોંકાવનારું છે.
મહેશભાઈ કોટડીયા નામના વેપારીએ પોલીસને જાણ કરી હતી કે, સોશિયલ મીડિયાના માધ્યમથી ઇલેક્ટ્રીક બાઈકની એજન્સી આપવાની છે તે પ્રકારની તેમને માહિતી મળી હતી. જે માહિતીને લાઈક કરતા જ તેમને સામેથી ફોન આવ્યો હતો અને ફોન કરનાર વ્યક્તિએ ઈલેક્ટ્રીક બાઈકની કંપનીનો મેનેજર બોલતો હોવાનું જણાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, જો તમારે ડીલરશીપ લેવી હોય તો તમે કંપનીના ઇ-મેલ એડ્રેસ પર તમારા ડોક્યુમેન્ટ મોકલી આપો. ત્યાર બાદ ફરિયાદીએ કંપનીના ઇ-મેલ આઇડી પર ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા. કંપનીના મેનેજર તરીકે વાત કરનારા વ્યક્તિનો ફોન આવ્યો હતો કે તમારે અમુક રકમ જમા કરાવી પડશે. તેમ કહી જુદા-જુદા બેંકના એકાઉન્ટ નંબર ફરિયાદીને મોકલી આપ્યા હતા.
ફરિયાદીએ ટુકડે-ટુકડે કરી કુલ ૨૬ લાખથી પણ વધુની રકમ જુદા-જુદા બેંક એકાઉન્ટમાં ડિપોઝીટ કરાવી હતી. ૨૬ લાખથી પણ વધુની રકમ ડિપોઝીટ કરાવ્યા બાદ કંપનીમાંથી ડીલરશીપ આપવા બાબતે કોઈ ફોન ન આવતા ફરિયાદીએ સામેથી ફોન કર્યો હતો. પરંતુ જ્યારે ફોન કર્યો ત્યારે નંબર અસ્તિત્વમાં ન હોય તે પ્રકારનો મેસેજ તેમને મળ્યો હતો.આ સમગ્ર મામલે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવતા વેપારીએ પોલીસમાં અરજી આપી હતી. અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરતાં લોકેશન બિહારનું મળી આવ્યું હતું રાજકોટ પોલીસે બિહારના અનિલ ધનેશ્ર્વર બીંદે, સેતેન્દ્ર કુમાર અને અવિનાશ કુમારને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા તમામ આરોપીની વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે. ઝડપાયેલી ટોળકીએ કોઈ વધુ ગુના આચર્યા છે કે કેમ? તે બાબતે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.