રાજકોટ,
ગુજરાતી લોક ગાયક દેવાયત ખાવડ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. રાજકોટના સર્વેસ્વર ચોકમાં મયુરસિંહ રાણા પર હુમલો કરતાં હાથ અને પગના ભાગે ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. પુષ્કર એપાર્ટમેન્ટ નજીક દેવાયત ખાવડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં દેવાયત ખાવડ સહિત ૨ શખ્સો હુમલામાં સામેલ હતા. હાલ હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. રિવરત્ન પાર્કમાં પાકગ બાબતે મયુરસિંહ રાણા અને દેવાયત ખાવડ વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી.
ફરી એક વખત દેવાયત ખવડ પોતાના કૃત્યના કારણે વિવાદમાં સપડાયા છે. દેવાયત ખવડ અને અન્ય બેક વ્યક્તિ દ્વારા મયુરસિંહ રાણા પર હુમલો કરવાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. રાજકોટ શહેરના સર્વેશ્ર્વર ચોક નજીક મયુરસિંહ રાણા જ્યારે પોતાની ઓફિસથી પોતાના ઘરે જમવા જઈ રહ્યા હતા ત્યારે સ્વીટ કારમાંથી બે શખ્શો ઉતર્યા હતા અને તેમના દ્વારા મયુરસિંહને હાથ અને પગના ભાગે ઈજા પહોંચાડવામાં આવી હતી.
કારમાંથી ઉતરનારા બંને વ્યક્તિઓના હાથમાં બેઝ બોલના ધોકા જેવી વસ્તુથી માર મારવામાં આવી રહ્યો હોવાનું સીસીટીવી ફૂટેજમાં ફલિત થઈ રહ્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા આઇપીસીની કઈ કલમ તેમજ ગુજરાત પોલીસ એક્ટની કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ આમને સામને આવી ચૂક્યા હતા. પાકગ મુદ્દે મયુરસિંહ રાણા અને દેવાયત ખાવડ આમને સામને આવી ચૂક્યા હતા. જોકે જે તે સમયે પોલીસ દ્વારા સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો.