લુણાવાડા,
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બંને તબક્કાનું મતદાન થઈ ગયું છે. ત્યારે હવે 8 ડિસેમ્બરે મતગણતરી થવાની છે. આ માટે અત્યારથી જ તડામાર તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. તેવામાં હવે મહિસાગર જિલ્લામાં ત્રણ બેઠક માટેનીમ મતગણતરી એક જ સ્થળે થવાની છે. એના માટે અત્યારથી જ સ્ટ્રોંગ રૂમની બહાર બંદોબસ્તથી લઈ ગણતરી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં 8 ડિસેમ્બરે 182 વિધાનસભા બેઠક માટે મતગણતરી હાથ ધરાશે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ આવેલી ત્રણ વિધાનસભા બેઠક માટે મતગણતરી જિલ્લાના વડા મથક લુણાવાડા ખાતે પી એન પંડ્યા આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાશે. આના માટે મહીસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્થળ પર મતગણતરી માટેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
લુણાવાડા ખાતે આવેલી પી એન પંડ્યા આર્ટ્સ,કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ રાખવામાં આવ્યા છે. અહીં જ મતગણતરી યોજાવાની છે. આ સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તદુપરાંત સ્ટ્રોંગ રૂમનું સીસીટીવી વડે મોનેટરીગ કરવામાં આવી રહ્યું છે. મહીસાગર જિલ્લામાં ત્રણ વિધાનસભા બેઠક આવેલી છે. બાલાસિનોર વિધાનસભા બેઠક માટે 62.30% મતદાન થયું છે અને 8 ઉમેદવારના ભાવિ ઇવીએમમાં કેદ થઈ ચૂક્યા છે. લુણાવાડા વિધાનસભા બેઠક માટે 60.60% મતદાન થયું છે અને લુણાવાડા બેઠક માટે પણ 8 ઉમેદવારના ભાવિ ઈવીએમ માં સીલ થઈ ચૂક્યા છે. સંતરામપુર વિધાનસભા બેઠક માટે 57.00% મતદાન થયું છે અને સંતરામપુર વિધાનસભા બેઠક પરથી 6 ઉમેદવારના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ચૂક્યા છે. આવી રીતે સમગ્ર જિલ્લામાં સરેરાશ 59.97% મતદાન થયું છે અને જિલ્લાના ત્રણ વિધાનસભા બેઠક માટે 22 ઉમેદવારના ભાવિ હવે ટૂંક સમયમાં જ નક્કી થઈ જશે. મતગણતરી આઠ તારીખે યોજાશે. ત્યાંરે જોવું રહ્યું કે કયા ઉમેદવારની જીત થશે.