- દાહોદના પરેલમાં સૌથી ઓછું 32.75 ટકા મતદાન, દાહોદ શહેરનું ફાઇનલ આકડું 49.12 ટકા.
દાહોદ,
ગુજરાત વિધાનસભાની બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી ગઈ કાલે સંપન્ન થવા પામી છે. ત્યારે દાહોદ જિલ્લાની છ વિધાનસભા બેઠકો પર મતદાનનો ફાઈનલ આંકડો 60.01 પર થવા પામ્યો છે. જોકે, ખાસ કરીને દાહોદ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ દાહોદ શહેરમાં ખૂબ જ નિરાશાજનક કહી શકાય તેવું 49.12 જેટલો મતદાન નોંધાયું છે. વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા લોકશાહીના પર્વ અંતર્ગત ભારે મતદાન કરવાની જાહેરાતો અપીલો તેમજ જન જાગૃતિના કરેલ કાર્યક્રમનો દાહોદ શહેરમાં ફિયાસ્કો થયો હતો. તેમ દાહોદ શહેરની કુલ મતદારો પૈકી અડધા મતદારો લોકશાહીના પર્વથી અળગા રહ્યા હતા. વર્કિંગ દિવસમાં ભરેલા મતદાનના કારણે અથવા અને કોઈ કારણ કહો પરંતુ દાહોદ શહેરના કુલ મતદારો પૈકી અડધા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ જ કર્યો નહોતો.
દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ 6 વિધાનસભા બેઠકો પર ગઈકાલે મતદાન યોજાયું હતું. મતદાનના શરૂઆતથી દોરમાં મતદાન ખૂબ જ ધીમું ચાલી રહ્યું હતું. પરંતુ જેમ જેમ દિવસ ઉગતો ગયો તેમ તેમ મતદાન મથકો પર મતદાન માટે લાઈનો લાગેલી જોવા મળી હતી. એક સમયે એવું લાગતું હતું કે, દાહોદમાં આ વખતે બમ્પર વોટિંગ થશે પરંતુ મતદાનના ચોકાવનારા મતદાનના ફાઈનલ આંકડા બહાર આવ્યા છે. જેમાં ફતેપુરામાં 54.00 ટકા, ઝાલોદમાં 58.86, લીમખેડામાં 67.01, દાહોદમાં 59.46 ગરબાડા 50.15 તેમજ દેવગઢ બારીયામાં 72.76 ટકા મતદાન નોંધાયું છે. આંકડાકીય માહિતી પ્રમાણે ગત વિધાનસભા ની પેટર્ન મુજબ ગરબાડા બેઠક પર સૌથી ઓછું 50.15 ટકા મતદાન નોંધાયું હતું. અત્રે ઉલ્લેખની છે કે દાહોદ જિલ્લામાં સ્થાનિક વહીવટી તંત્ર, તેમજ ચૂંટણી પંચ દ્વારા મતદાન અંગે જન જાગૃતિ માટેના અનેકવિધ કાર્યક્રમો, મતદાન કરવા અંગે અપીલ કર્યા છતાંય મતદાન અંગે જનજાગૃતિના કાર્યક્રમનો ફિયાસ્કો થયો હોય તેમ મતદાન પ્રત્યે દાહોદ શહેરવાસીઓ નીરસ દેખાયા હતા. મતદાનની ટકાવારીની વાત કરીએ તો વોર્ડ – 1 – 48.41 %,વોર્ડ – 2 – 55.65 %,વોર્ડ – 3 – 54 %,વોર્ડ – 4 – 54.49,વોર્ડ – 5 – 49.07 %,વોર્ડ – 6 – 61.24 %,વોર્ડ – 7 – 53.18 %,વોર્ડ – 8 – 40 %,વોર્ડ – 9 – 57.40 % પરેલ – 32.75 % મળી દાહોદ શહેરનું કુલ મતદાન 49.12 % ટકા નોંધાયું હતું. મતદાનના આંકડા જ બતાવે છે કે દાહોદ શહેરના અડધા મતદારોએ પોતાના માતાધિકારનો ઉપયોગ જ નહોતો કર્યો હતો.
બોકસ:-દાહોદ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટક પરેલમાં સૌથી ઓછું મતદાન નોંધાયું…
મતદાનની આંકડાકીય માહિતી પ્રમાણે દાહોદ શહેરના અડધા મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ જ નહોતો કર્યો અને તેમાંય રેલવે કર્મચારીઓની વસાહત તેમજ કચેરીઓ ધરાવતું પરેલમાં સૌથી ઓછું 32.75 ટકા મતદાન નોંધાયું હતો.