ઝાલોદ બસ સ્ટેન્ડ પાસે પાલિકા દ્વારા ડિવાઈડર નાંખવાની ધીમી કામગીરીને લઈ ટ્રાફિકની સમસ્યા

ઝાલોદ,

ઝાલોદ બસ સ્ટેન્ડ પાસે છેલ્લા ધણા સમયથી ડિવાઈડર નાંખવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરાઈ હતી. પરંતુ આ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી આ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બસ સ્ટેશન નજીક હોવાથી આ રસ્તો 24 કલાક ધમધમતો રહે છે ત્યારે કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા બે માસથી કામગીરી ધીમી ગતિએ કરવામાં આવતા નગરજનો તથા વેપારીઓ પણ ભારે પરેશાન થઈ ઉઠ્યા છે. નગરનો મુખ્ય ગણાતા રસ્તા ઉપર ડિવાઈડર તો નાંખી દેવામાં આવ્યા છે પરંતુ એક બાજુનો રસ્તો બનાવવામાં આવ્યો નથી. જેના કારણે રોજે રોજ ટ્રાફિક જામની સમસ્યાને કારણે આસપાસના રહિશોને અનેક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સ્થાનિકો દ્વારા રજુઆત કરવા છતાં પણ કામગીરી ઝડપી બનાવવામાં ન આવતા રોષ જોવા મળ્યો હતો. નગરના હાર્દ સમા ગણાતા વિસ્તારમાં પણ તંત્રની ધીમી ગતિએ કામગીરીને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે.