હાર્દિક હારશે કે જીતશે? શું કહે છે સટ્ટાબજાર? વિવિધ બેઠકો પર હાર-જીતનો ભાવ

  • ભાજપમાં આવેલાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા નેતાઓ જીતશે કે નહીં તેના પર પણ સટ્ટા બજારમાં હાલ મોટો દાવ.

અમદાવાદ,

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાઈ. બન્ને તબક્કાનું મતદાન થઈ ચુક્યું છે. મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની પસંદના જનપ્રતિનિધિને ચૂંટી કાઢ્યાં છે. મતદાન પુરું થતાં વિવિધ એક્ઝિટ પોલ પણ સામે આવ્યાં. જેમાં ભાજપની જીતનો દાવો કરાઈ રહ્યો છે. જોકે, એક્ઝિટ પોલ બાદ હવે ચૂંટણીમાં ઉમેદવારોની હાર-જીતને લઈને સટ્ટાબજાર પણ ગરમ થયું છે. વિવિધ જગ્યાએ સટ્ટોડિયાઓ ભાજપ-કોંગ્રેસ અને આપ એમ પાર્ટી વાઈઝ અને અમુક સ્થળે ઉમેદવાર વાઈઝ પણ સટ્ટા બજારમાં ભાવ-તાલ સતત ઉપર નીચે થયાં કરે છે.

સટ્ટોડીયાઓના મતે સુરત શહેરની ૧૨ પૈકી ઓછામાં ઓછી ૧૧ બેઠકો ભાજપના ફાળે જવાની શક્યતા છે. જ્યારે કચ્છ સૌરાષ્ટ્રની ૫૪ પૈક્કી ભાજપના ફાળે ૪૦-૪૨ બેઠકો આવવાની શક્યતા છે. સૌથી વધુ સટ્ટો હાર્દિક પટેલની વિરમગામ બેઠક , અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર લાગી રહ્યો છે. આ ઉપરાંત સટ્ટાબજારમાં ખંભાળિયા બેઠક પર લાગી રહ્યો છે સૌથી વધુ સટ્ટો, ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાની જીતનો ભાવ ૯૫ પૈસા છે. સટ્ટાબજારમાં વલસાડ જિલ્લાની તમામ ૫ બેઠકો અને ડાંગ જિલ્લાની ૧ બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. નવસારી જિલ્લાની ૪ પૈકી ૩ બેઠક પર ભાજપની જીત નિશ્ર્ચિત છે. સટ્ટાબજારના મતે નર્મદા જિલ્લાની બન્ને બેઠક પર ભાજપ માટે જીત મુશ્કેલ છે.

સટ્ટાબજારમાં વિસાવદરથી હર્ષદ રીબડીયા, માણાવદરમાં જવાહર ચાવડાની જીત નિશ્ચિત છે. આ ઉપરાંત સટ્ટોડીયાઓના મતે ધોરાજી બેઠક પર લલિત વસોયા , જામજોધપુરથી ચિરાગ કાલરીયાની જીત નિશ્ચિત છે. અમરેલી જિલ્લાની ૫ પૈકી ૩ બેઠક પર ભાજપ તો ૩ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો જીત માટે હોટ ફેવરીટ છે.

સટ્ટાબજારમાં ખેડબ્રહ્મા , મહેસાણા , ઊંઝા , માણસા , ઈડર , મોરબી , રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપની જીત નક્કી છે. સટ્ટોડીયાઓને પાટણ બેઠકથી કોંગ્રેસની ઉમેદવાર કિરીટ પટેલની જીત નક્કી લાગી રહી છે. વડોદરા શહેરની તમામ બેઠકો પર સટ્ટોડીયાઓ ભાજપની જીત બેઠક માની રહ્યા છે. સટ્ટાબજારના મતે મોરબી બેઠકથી ભાજપના કાંતિ અમૃતીયાની જીત નિશ્ર્ચિત , ટંકારા બેઠક પર લલિત કગથરાની મામુલી સરસાઈથી જીત થઈ શકે છે. સટ્ટાબજાર પોરબંદરની બેઠક પર જીત માટે અર્જૂન મોઢવાડીયા જીત માટે હોટ ફેવરીટ તો કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાની જીત નક્કી છે.સટ્ટાબજારમાં વડોદરા જિલ્લાની વાઘોડીયા અને પાદરા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારની જીતનો ભાવ લગભગ સરખો છે.

બનાસકાંઠાની વાવ અને થરાદ બેઠક પર કાંટાની ટક્કરની વચ્ચે મોટો સટ્ટો લાગી રહ્યો છે. સટ્ટાબજારમાં હાદક પટેલની જીતનો ભાવ ૯૦ પૈસા તો અલ્પેશ ઠાકોરની જીતનો ભાવ ૮૦ પૈસા છે. એક તરફ એક્ઝીટ પોલ બાદ સટ્ટાબજારમા પણ ભાજપને ભારે જનમત મળતો દેખાઈ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસનો હાથ છોડીને પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલાં હાદક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા નેતાઓ જીતશે કે નહીં તેના પર પણ સટ્ટા બજારમાં હાલ મોટો દાવ રમાઈ રહ્યો છે. સટ્ટોડીયાઓના મતે ભાજપને ૧૪૦-૧૪૨ બેઠક તો આપને ૪-૬ બેઠક અને કોંગ્રેસને ૩૦-૩૪ બેઠક મળવાનું અનુમાન છે. બીજા તબક્કાના મતદાન અગાઉ સટ્ટાબજારનું સેશન ભાજપને ૧૩૭-૧૩૯નું હતું જે વધીને ૧૪૦-૧૪૨નું થયું છે.