ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે, હવામાન વિભાગની આગાહી સાંભળીને હમણાં જ થથરી જશો

  • આગામી ૫ દિવસ રાજ્યમાં હાડ થીજવતી ઠંડીની આગાહી

અમદાવાદ,

ગુજરાતમાં કાતિલ ઠંડીના દિવસો આવી ગયા છે. સાંજ બાદ એવો સુસવાટાભર્યો પવન વાય છે કે ઠંડી લાગવા લાગે છે. ત્યારે હવે ગુજરાતમાં ઠંડીનું જોર એકાએક વધવાનું છે તેવી આગાહી કરવામામાં આવી છે. ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે. ૧૦ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોનું તાપમાન ૧૫ ડિગ્રીની નીચે ગયું છે.

રાજ્યમાં આગામી ૫ દિવસ કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં આગામી પાંચ દિવસમાં ઘટાડો જોવા મળશે. હવામાન વિભાગે ૨ થી ૩ ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરી છે. ખાસ કરીને મધ્ય , ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. આગામી ૫ દિવસ બાદ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. તો ૩ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી કાતિલ ઠંડીની આગાહી કરાઈ છે.

ગુજરાતમાં ઠંડીનું જોર વયું છે. ત્યારે નલિયા ૧૦ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો ગાંધીનગર, અમદાવાદ, ભુજ, કંડલા અને પોરબંદરના તાપમાનમાં પણ રોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ, પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં બરફ પડવાની શરૂઆત થઈ ગઈ છે. શનિવારે સવારે વાહનોના કાચ પર બરફ જામી ગયો છે. આબુની સ્થાનિક હોટલોની બહાર ટેબલ અને ખુરશી પર બરફની ચાદર જામી ગઈ છે. બરફ પડતાં પ્રવાસીઓ કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા છે.

ગુજરાતીઓનું મીની કાશ્મીર ગણાતું માઉન્ટ આબુ પણ ઠંડુગાર બન્યું છે. માઉન્ટ આબુના હવામાનમાં ડિસેમ્બરની શરૂઆતમાં જ પલટો આવ્યો છે. આબુમાં ઠંડીનો પારો શૂન્ય ડિગ્રી નજીક પહોંચ્યો છે. ત્યારે પાર્ક કરેલી કારની છત પર બરફની ચાદર છવાઈ ગયેલી વહેલી સવારે જોવા મળે છે. તીવ્ર ઠંડી છતાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ધસારો વયો છે.

અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં ઠંડીનો અનુભવ થયો છે. આવા ખુશનુમા વાતાવરણ વચ્ચે અમદાવાદીઓ ગુલાબી ઠંડીનો આનંદ લેતા જોવા મળ્યા હતા. ગાર્ડન અને રિવરફ્રન્ટ પર વહેલી સવારે લોકોની ભીડ જોવા મળે છે. પરિવાર અને મિત્રો સાથે લોકો વોકિંગ, સાઈકલિંગક, એક્સરસાઇઝ, યોગા સાથે ઠંડીનો આનંદ માણી રહ્યાં છે. તબીબો કહે છે કે, ઠંડીમાં શરીરને ફીટ રાખવા અવનવી એક્સસાઇઝ સાથે હેલ્ધી ખોરાક લેવો જોઈએ. ઠંડીમાં વધુ એક્સરસાઇઝ કરવી જોઈએ. તો સાબરમતી રિવરફ્રન્ટ પર મહિલાઓ પણ વિવિધ યોગાસન કરતી જોવા મળે છે.