અમદાવાદ,
શહેરની નામાંક્તિ મેડિકલ કોલેજના વધુ એક ૨૬ વર્ષનાં વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. કપિલ પરમાર નામના એમડીનાં (મેડિસન) વિદ્યાર્થીએ હોસ્ટેલનાં પોતાના રૂમમાં રવિવારે ઝેરી પદાર્થનું ઇન્જેક્શન લઇને જીવન ટૂંકાવી લીધું છે. શાહીબાગ પોલીસનાં જણાવ્યા પ્રમાણે, નોબલનગરનો આ વિદ્યાર્થી પોતાના રૂમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. રવિવારે રાતે આઠેક વાગ્યાની આસપાસ જ્યારે કપિલનાં મિત્રો તેને શોધતા તેના રૂમમાં આવ્યા ત્યારે તેને બેભાન અવસ્થામાં જોયો હતો. જેથી તેને ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જે બાદ આશરે ૯.૨૦ કલાકની આસપાસ તેનું મૃત્યું થયું હતું. પોલીસનાં જણાવ્યા પ્રમાણે તેમને કપિલનાં રૂમમાંથી કોઇ અંતિમ ચિઠ્ઠી મળી આવી ન હતી. જ્યારે તેના મિત્રોએ જણાવ્યું છે કે, કપિલ થોડા દિવસોથી સ્ટ્રેસમાં હતો.
પોલીસે આપેલી પ્રાથમિક જાણકારી પ્રમાણે, કપિલ અભ્યાસ અને કામનાં ભારણને કારણે તે થોડા દિવસથી સ્ટ્રેસમાં હતો. કપિલે અમદાવાદની અન્ય કોલેજમાંથી એમબીબીએસ કર્યું હતુ. જ્યારે એમડી તે બી.જે. મેડિકલમાંથી કરી રહ્યો હતો.
કપિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. આ સાથે કપિલનો મોબાઇલ ફોનની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેના પરથી જાણી શકાય કે, મરતા પહેલા તેણે કોને મેસેજ કર્યો હતો. થોડા સમય પહેલા પણ બી.જે. મેડિકલ કોલેજમાં સ્ડ્ઢ (મેડિસિન) કોર્સમાં પ્રવેશ મેળવનાર મેડિકલ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. આ અંગે અમદાવાદ ગ્રામીણ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, સુરતના રહેવાસી ૨૫ વર્ષીય ડો. હાર્દિક રૈયાણીનો મૃતદેહ સવારે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સઈજ ગામમાં એક તળાવમાંથી મળી આવ્યો હતો. રૈયાણીએ આ વર્ષે ફરીથી નેશનલ એલિજિબિલિટી-કમ એન્ટ્રન્સ ટેસ્ટ આપી અને બી.જે. મેડિકલ કોલેજમાં મેડિસિન કોર્સમાં પ્રવેશ મેળવ્યો. આ અંગે અન્ય વિદ્યાર્થીએ કહ્યું, રૈયાણી એમબીબીએસ કોર્સમાં મારો ક્લાસમેટ હતો. તેમના પિતાનું ૨૦૧૦માં કાડયાક અરેસ્ટથી અવસાન થયું હતું. તેમની માતા ગૃહિણી છે રૈયાણી એક બ્રાઈટ સ્ટુડન્ટ હતો.