
મુંબઇ,
ટીવી એક્ટ્રેસ હેતલ યાદવના ફેન્સ માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટીવીના સૌથી પ્રખ્યાત શો ઇમલીમાં શિવાની રાણાની ભૂમિકા ભજવનાર હેતલનો કાર અકસ્માત થયો હતો. રવિવારે રાત્રે શૂટિંગ કરીને ઘરે પરત ફરતી વખતે હેતલની કારને ટ્રકે ટક્કર મારી હતી. જોકે, ગભરાવાની કોઈ વાત નથી, હેતલ સુરક્ષિત છે.અહેવાલો અનુસાર, હેતલ રવિવારે રાત્રે શૂટિંગ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહી હતી. તે પોતાની કાર જાતે જ ચલાવી રહી હતી. ત્યારે પાછળથી એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી.
હેતલ યાદવે કહ્યું- મેં રાત્રે લગભગ ૮.૪૫ વાગ્યે પેકઅપ કર્યું, ત્યારબાદ હું ફિલ્મ સિટીથી ઘર માટે નીકળી ગઈ. હું જેવી એલઆર હાઈવે પર પહોંચી કે તરત જ એક ટ્રકે મારી કારને પાછળથી ટક્કર મારી. ટ્રકે મારી કારને ધાર તરફ ધકેલી દીધી હતી. મારી કાર પડી જવાની હતી. કોઈક રીતે, હિંમત ભેગી કરીને, મેં કાર રોકી અને મારા પુત્રને બોલાવ્યો. મેં મારા પુત્રને આ અંગે પોલીસને જાણ કરવા કહ્યું કારણ કે આ ઘટના બાદ હું આઘાતમાં આવી ગઈ હતી.
જોકે આ અકસ્માતમાં હેતલને કોઈ ઈજા થઈ નથી. આ માટે તેણે ભગવાનનો પણ આભાર માન્યો હતો. અભિનેત્રીએ કહ્યું- ધન્યવાદ, મને ઈજા નથી થઈ. પરંતુ તેઓ આઘાતમાં છે. હેતલની વાત કરીએ તો આ દિવસોમાં તે ઇમલી શોમાં શિવાની રાણા બનીને ચાહકોને પ્રભાવિત કરી રહી છે. ટેલિવિઝનની દુનિયામાં તે એક મોટું નામ છે. હેતલ છેલ્લા ૨૫ વર્ષથી એક્ટિંગ જગતમાં સક્રિય છે. તેને સૌથી વધુ લોકપ્રિયતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘જ્વાલા’ના પાત્રથી મળી હતી. અભિનેત્રીના અકસ્માતના સમાચાર સામે આવતા જ તેના તમામ ચાહકો પરેશાન થઈ ગયા હતા. જોકે હવે તેણે રાહતનો શ્ર્વાસ લીધો છે. હેતલ આ આઘાતમાંથી વહેલામાં વહેલી તકે બહાર આવે એ જ પ્રાર્થના કરીશું.