અમેરિકા સાથેના વધતા તણાવ વચ્ચે શી જિનપિંગ સાઉદી અરેબિયાની મુલાકાત લેશે

બીજીંગ,

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાઉદી અરેબિયા પહોંચવાના છે. જો કે આ સમાચાર સામાન્ય લાગે છે કે કોઈ રાજ્યના વડા પરસ્પર સંબંધોને મજબૂત કરવા માટે અન્ય દેશોમાં જાય છે પરંતુ વર્તમાન સંદર્ભમાં જિનપિંગની સાઉદી અરેબિયાની મુલાકાત મહત્વપૂર્ણ છે. તેઓ એવા સમયે સાઉદી અરેબિયા જઈ રહ્યા છે જ્યારે અમેરિકા સાથે તેના સંબંધો સારા નથી. છેલ્લા ૮૦ વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે સાઉદી અરેબિયાએ અમેરિકાને આંખ બતાવી છે. ત્યારે અમેરિકા સાથે ચીનના સંબંધો પણ નીચા સ્તરે છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ આ તણાવ વયો છે કારણ કે ચીને વ્લાદિમીર પુતિન સરકારને સમર્થન આપ્યું છે. મળતી માહિતી મુજબ શી જિનપિંગ સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન ચીન-અરબ સમિટમાં ભાગ લેશે. આ સિવાય તેઓ ચીન-ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના કોન્ફરન્સમાં પણ ભાગ લેશે.

મહત્વની વાત એ છે કે કોઓપરેશન કાઉન્સિલ હેઠળ આ સંમેલનમાં આરબ અને ગલ્ફ દેશોના ૧૪ ટોચના નેતાઓ ભાગ લેશે. આના પરથી સમજી શકાય છે કે ચીન કેવી રીતે આરબ અને ગલ્ફ દેશોમાં પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઐતિહાસિક રીતે આ દેશો સાથે ચીનના સંબંધો બહુ સારા નથી રહ્યા, જ્યારે સાઉદી અરેબિયા લાંબા સમયથી અમેરિકાનું સહયોગી રહ્યું છે. પરંતુ સાઉદી અરેબિયા અને રશિયાના ઓઈલ ઉત્પાદનમાં કાપના નિર્ણયથી અમેરિકા નારાજ થઈ ગયું હતું. ખાસ કરીને મિત્ર કહેવાતા સાઉદી અરેબિયાના હઠીલા વલણ પર અમેરિકાએ તેની સાથે પોતાના સંબંધોની સમીક્ષા કરવાની વાત પણ કરી હતી.