કોલંબિયામાં ભૂસ્ખલન થતાં આઠ બાળક સહિત ૩૪ વ્યક્તિઓના મોત નિપજયાં

  • બસની સાથે અન્ય કેટલાંક વાહનો પણ કાટમાળમાં દટાઈ ગયાં હતાં.

બોગોટા,

દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં સોમવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં રિસારાલ્ડા પ્રાંતમાં એક બસ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૩૪ લોકોનાં મોત થયાં હતાં. નેશનલ યુનિટ ફોર ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ (NUDRM)ના જણાવ્યા અનુસાર, મૃતકોમાં આઠ બાળકનો સમાવેશ થાય છે. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. રેસ્ક્યૂ- ઓપરેશન ચાલુ છે.એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારે વરસાદ બાદ રિસારાલ્ડા પ્રાંતમાં ભૂસ્ખલન થયું હતું. બસની સાથે અન્ય કેટલાંક વાહનો પણ કાટમાળમાં દટાઈ ગયાં હતાં. બસ કૈલી શહેરથી ચોકો પ્રાંતના કોન્ડોટો શહેર જઈ રહી હતી. ત્યાર બાદ પ્યુબ્લો રિકો અને સાન્ટા સેસિલિયા વચ્ચે આ દુર્ઘટના થઈ હતી.

દુર્ઘટના દરમિયાન સ્થળ પર હાજર એક વ્યક્તિએ નજરે જોયું હતું, તેણે જણાવ્યું હતું- પહેલા એક કાર અકસ્માતનો ભોગ બની હતી, જેને કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. પાછળ આવી રહેલાં વાહનો થંભી ગયાં. અકસ્માત બાદ અહીં એક જીપ, બસ અને મોટરસાઇકલ ઊભી હતી, એ દરમિયાન એકાએક ભૂસ્ખલન થયું. કાટમાળ એટલી ઝડપથી નીચે આવ્યો કે કોઈ બચી શક્યું નહીં. બસમાં ૨ ડ્રાઈવર હતા, એમાં ઘણા મુસાફરો પણ સવાર હતા.

કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ કહ્યું- સરકાર આ મુશ્કેલ સમયમાં પીડિત પરિવારોની સાથે છે. બચાવ ટીમના અધિકારીએ જણાવ્યું હતું કે હાલ ૯ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં ૭ વર્ષની બાળકીને કાટમાળમાંથી જીવતી બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતમાં તેની માતાનું મૃત્યુ થયું છે.એક અધિકારીએ જણાવ્યું – મૃત્યુ પામેલી વ્યક્તિની ઓળખ ગુઈલેર્મો ઇબાર્ગ્યુએન તરીકે થઈ છે. તેમના પુત્રએ કહ્યું- હું અકસ્માત બાદ ડરી ગયો હતો. પપ્પાએ મને બસમાંથી ઊતરવામાં મદદ કરી. તેમણે મને બારીમાંથી કૂદવાનું કહ્યું, બસમાંથી બહાર નીકળતાંની સાથે જ મેં આસપાસ જોયું તો કાદવ અને માટી હતી. પપ્પાએ મમ્મી અને મારી બહેનને પણ બહાર કાઢ્યા, પણ તે પોતાને બહાર કાઢી શક્યા નહીં. કોલંબિયાના નેશનલ યુનિટ ફોર ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ અનુસાર, ૨૦૨૨માં અત્યારસુધીમાં ૨૧૬ લોકોનાં મોત થયાં છે. ૫ લાખ ૩૮ હજારથી વધુ લોકો બેઘર બન્યા છે.