ફતેપુરા તાલુકાના મારગાળા ચૂંટણી બુથ ઉપર મારામારીમાં સંડોવાયેલા ચાર વ્યક્તિઓ વિરૂદ્ધમાં ગુન્હો દાખલ કરાયો

  • કોંગ્રેસ તરફી એજન્ટ દ્વારા બોગસ મતદાન નહીં કરવા વિરોધ ઉઠાવતા ભાજપ તરફી લોકોએ મારા મારી કરી કોંગ્રેસના એજન્ટને ચપ્પુ માર્યું હતું.

ફતેપુરા,

ફતેપુરા તાલુકાના મારગાળા ગામે ગતરોજ વિધાનસભાની ચૂંટણી સમયે પીપેર ફળિયા બુથ કેન્દ્ર નંબર પાંચ ઉપર બોગસ મતદાન કરવા ભાજપ તરફી લોકોએ કોશિશ કરતા કોંગ્રેસ તરફી બુથ કેન્દ્રમાં એજન્ટ તરીકે હાજર એક વ્યક્તિને મારામારી કરી ચપ્પુ મારી દેતા બુથ કેન્દ્ર ઉપર ચુંટણી કામગીરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ સહિત હાજર મતદારોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઇજાગ્રસ્ત કોંગ્રેસના એજન્ટને તાત્કાલિક સુખસર સરકારી દવાખાના બાદ વધુ સારવાર માટે ઝાલોદ ખાનગી દવાખાનામાં પહોંચાડવામાં આવ્યો હતો. જ્યારે કહેવાતા હુમલાખોરો સ્થળ ઉપરથી ફરાર થઈ જવા પામ્યા હોવાનું જાણવા મળે છે. ચૂંટણી બુથ કેન્દ્ર ઉપર મારામારીમાં સંડોવાયેલા મનાતા ચાર લોકોની વિરૂદ્ધમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ફતેપુરા તાલુકાના મારગાળા ગામના પીપેર ફળિયા બુથ કેન્દ્ર નંબર પાંચ ઉપર ગતરોજ વિધાનસભા ચૂંટણી સમય દરમિયાન સાંજના ત્રણેક વાગ્યાના અરસામાં ભાજપ-કોંગ્રેસના લોકો વચ્ચે બોલાચાલી-મારામારી થઈ હતી. તેમાં કોંગ્રેસ તરફી મતદાન બુથ કેન્દ્ર ઉપર એજન્ટ તરીકે ફરજ બજાવતા રમણભાઈ મલીયાભાઈ ભગોરા નાઓ કોંગ્રેસ તરફે બુથ કેન્દ્રમાં એજન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેવા સમયે ભાજપના સંજયભાઈ ભાભોર તથા સુક્રમભાઈ ભાભોરે તેઓના માણસો દ્વારા બોગસ મતદાન કરાવવાની કોશિશ કરતા રમણભાઈ ભગોરાએ બોગસ મતદાન નહીં કરવા દેવા બાબતે પ્રિસાઈન્ડીંગ અધિકારીને રજૂઆત કરતા બિભીત્સ ગાળો આપી તું અમને મતદાન નહીં કરવા દેનાર કોણ છે ? અહીંથી જતા રહો કહી ગાળો બોલી મતદાન મથકની બહાર ખેંચી જઈ ત્યાં દલાભાઈ ભાભોર તથા જીગ્નેશભાઈ ભાભોરનાઓ હાજર હોય તેઓએ પણ રમણભાઈ ભગોરાને ગાળો બોલી દલાભાઈ વાલાભાઈ ભાભોરે એકદમ ઉશ્કેરાઈ જઈ રમણભાઈ ભગોરા ઉપર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. તેમાં છાતીના ડાબી બાજુના ભાગે ચપ્પુનો ઘા કરી ગંભીર ઇજાઓ પહોંચાડી તથા જીગ્નેશભાઈ ભાભોરે રમણભાઈ ભગોરાને ગડદાપાટુનો માર મારી એકબીજાની મદદગારી કરી જાહેરનામાનો ભંગ કર્યો હોવા બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

ચૂંટણી બુથ ઉપર મારામારીમાં સંડોવાયેલા લોકો વિરૂદ્ધમાં ઇજાગ્રસ્ત રમણભાઈ ભગોરાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ચાર જેટલા વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.તેમાં (1) સંજયભાઈ રમેશભાઈ ભાભોર, (2) સુક્રમભાઈ ગજસિંગભાઈ ભાભોર, (3)દલાભાઈ વાલાભાઈ ભાભોર તથા (4) જીગ્નેશભાઈ લલીતભાઈ ભાભોર તમામ રહે. મારગાળાના તળગામ ફળિયાના ઓની વિરૂદ્ધમાં મારામારી કરી મારી નાખવાની કોશિશ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.