શહેરા,
શહેરા વન વિભાગના આર.એફ.ઓ. રોહિત પટેલએ પેટ્રોલિંગ દરમિયાન અણીયાદ, શેખપુર તેમજ હાંસેલાવ તરફ જવાના માર્ગ ઉપર થી લાકડા ભરેલ ત્રણ વાહન પકડી પાડ્યા હતા. વન વિભાગે ત્રણ વાહનો અને પંચરવ લાકડા મળીને અંદાજિત રૂપિયા 11 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પાસ પરમીટ વગર થતી લાકડાની હેરાફેરી અટકાવવા માટે વન વિભાગના આર.એફ.ઓ. રોહિત પટેલ તેમજ બિટગાર્ડ એચ.કે.ગઢવી, એમ.જી. ડામોર સહિતનો સ્ટાફ તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. વન વિભાગના આર.એફ.ઓ.રોહિત પટેલએ અણીયાદ, શેખપુર તેમજ હાંસેલાવ તરફ જવાના માર્ગ ઉપરથી પંચરવ લાકડા ભરેલ ત્રણ વાહન પકડી પાડયા હતા. લાકડા ભરેલ વાહનોના ચાલક પાસે લાકડાની હેરાફેરી કરવા માટેના જરૂરી કાગળો માંગતા મળી નહિ આવતા બે નંબરી લાકડા ભરેલ હોવાનું વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રોહિત પટેલને માલુમ થતા તેઓ દ્વારા લાકડા ભરેલ ત્રણ વાહનને વન વિભાગની કચેરી ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. વન વિભાગ એ ત્રણ વાહનો અને પંચરવ લાકડા મળીને અંદાજિત રૂપિયા 11 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શિયાળાની કકડતી ઠંડીમાં લાકડાની માંગ વધુ હોવાથી લાકડા ચોરો તાલુકા પંથકમાં સક્રિય થયા હતા. તેવા સમયે વન વિભાગના આર.એફ.ઓ. રોહિત પટેલ દ્વારા તાલુકામાં બે નંબરી લાકડાની હેરાફેરી અટકાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા લાકડા ચોરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.