રતલામ,
મધ્યપ્રદેશના રતલામમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. એક અકસ્માતમાં સાત લોકોનાં મોત થયાં છે. આ અકસ્માત રતલામથી અંદાજે ૨૭ કિલોમીટર દૂર સાતરૂંડા ચોક પાસે થયો હતો. એવું જણાવવામાં આવી રહ્યું છે કે સ્પીડમાં આવેલી ટ્રકે રસ્તાની સાઈડમાં ઊભેલા લોકોને અડફેટે લીધા હતા, જેમાં ૫ લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયાં હતાં, જ્યારે ૨ લોકોનાં પાછળથી મોત થયાં હતાં.
આ અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે એક ટ્રક સ્પીડમાં આવે છે. એ પહેલાં ક્રોસ કરી રહેલા બાઈક્સવારને ટક્કર મારે છે અને પછી ડિવાઈડરની તરફ બસની રાહ જોઈ રહેલા લોકોને કચડી નાખે છે.
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને સ્થાનિકોએ ઘાયલોને નજીકની હોસ્પિટલ અને મેડિકલ કોલેજ પહોંચાડ્યા હતા, જેમાં ૧૦ ઘાયલમાંથી ૨ ગંભીર રીતે ઈજાગ્રસ્તોએ રસ્તામાં જ દમ તોડી લીધો હતો. ૮ ઈજાગ્રસ્તને પ્રાઇવેટ અને રતલામ જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ૨ ગંભીર રીતે ઈજાગ્રસ્તોને ઈન્દોર રિફર કરવામાં આવ્યા છે.
આ ઘટના સાતરૂંડા ચોક પાસે અમુક લોકો રસ્તાની સાઈડમાં બેસીને બસની રહા જોઈ રહ્યા હતા, ત્યારે જ ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રક બેકાબૂ બનીને લોકોને કચડીને નીકળી ગઈ હતી.અકસ્માતમાં જેનાં મોત થયાં છે, તેમનાં નામ ભંવરલાલ, પિતા ગેન્દાલાલ, ઉંમર ૪૨ વર્ષ, રહે બખાતગઢ,ભરત ચંગેસિયા, ઉંમર ૪૦ વર્ષ, સિમલાવડાનો રહેવાસી,પારસ પાટીદાર, ઉંમર ૪૫ વર્ષ, સિમલાવડાનો રહેવાસી,કિરણ, ઉંમર ૩૫, ઘોરઘાટનો રહેવાસી,રમેશ, પિતા ભીમ પ્રજાપત, બદનવરના રહેવાસી,સંગીતા, પતિ પારસ ડામર, ૩૦ વર્ષ, ઘોરઘાટ પોલીસ સ્ટેશન બિલપંક,એક મહિલાની ઓળખ થઈ નથી.
રતલામના કલેક્ટર નરેન્દ્ર કુમાર સૂર્યવંશીએ જણાવ્યું હતું કે ટાયર ફાટવાથી ટ્રકે કાબૂ ગુમાવી દીધો હતો, એને કારણે આ અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.મયપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે અકસ્માત વિશે દુ:ખ વ્યક્ત કર્યું છે.
પ્રત્યક્ષદર્શી અને ઘાયલ પૂજાનું કહેવું છે કે તેના પરિવારના ૭-૮ લોકો સાતરૂંડા માતાજીનાં દર્શન કરવા આવ્યા હતા. દર્શન કર્યા પછી તેઓ સાતરૂંડા ચોકડી પર બસની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન એક ટ્રક બેકાબૂ થઈને આવીને અથડાઈ હતી. ટક્કર બાદ કંઈ સમજાયું નહીં.ઈજાગ્રસ્ત વિશાલ ચૌરડિયાએ જણાવ્યું હતું કે અમે ત્યાં રાહ જોઈ રહ્યા હતા, હું ડિવાઈડરની બીજી તરફ હતો. પછી બૂમો પડી. બસની રાહ જોઈ રહેલા લોકો લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જોવા મળ્યા હતા.પ્રત્યક્ષદર્શી જુઝાર સિંહ રાઠોડે જણાવ્યું હતું કે હું નજીકમાં જ કરિયાણાની દુકાન પર ઊભો હતો. ૧૫થી ૨૦ મુસાફરો ત્યાં ઊભા હતા, ત્યાર બાદ ટ્રક બધાને કચડીને આગળ વધી હતી. ટ્રકચાલકે કાબૂ ગુમાવી દીધો હોય એવું લાગી રહ્યું હતું અને એ બેકાબૂ રીતે ભીડમાં ઘૂસી ગઈ હતી.