- અડધો કિલોમીટર સુધી પગપાળા ચાલીને પીએમ મોદી મતદાન બૂથ સુધી પહોંચ્યા હતા
અમદાવાદ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અને મતદાન કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરવા એક દિવસ પહેલા જ દિલ્હીથી ગુજરાત આવી પહોંચ્યા હતા. તેઓએ મતદાન પહેલા માતા હીરાબાને મળીને તેમને આર્શીવાદ પણ લીધા હતા. ત્યારે તેઓએ આજે અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યુ હતું. લગભગ અડધો કિલોમીટર સુધી પગપાળા ચાલીને પીએમ મોદી મતદાન બૂથ સુધી પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં તેમના ચાહકોએ ભીડ જમાવી હતી. પીએમ મોદીએ સામાન્ય મતદારની જેમ લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યુ હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે નીકળ્યા ત્યારે રસ્તાની બંને તરફ ભારે ભીડ હતી. ગાંધીનગર રાજભવનથી નીકળીને અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કરવા પહોંચ્યા હતા. સાબરમતી બેઠકમાં પ્રધાનમંત્રીનું મતદાન બૂથ આવે છે. મતદાન કર્યા બાદ પીએમ મોદીએ પોતાનો ફોટો ટ્વિટર પર શેર કરીને કહ્યુ હતું કે, આજે મેં અમદાવાદ ખાતે મતદાન કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. તેમની એક ઝલક જોવા માટે રાણીપ ખાતે રસ્તા પર વડાપ્રધાનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા હતા. તેમની એક ઝલક નિહાળવા મોટી સંખ્યામાં લોકો રસ્તાની આસપાસ ઉભા રહ્યા હતા. જેમનુ અભિવાદન ઝીલીને પીએમ મતદાન બુથ સુધી પહોંચ્યા હતા. તેઓએ અહીં પ્રધાનમંત્રીના વગનો કોઈ ઉપયોગ કર્યો ન હતો. સામાન્ય મતદારની જેમ લાઈનમાં ઉભા રહ્યાં, આગળના તમામ મતદારોને જવા દીધા, અને પોતાનો વારો આવ્યો ત્યારે મતદાન કર્યુ હતું. મતદાન બાદ તેઓએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, લોક્તંત્રના ઉત્સવ માટે દેશના નાગરિકોનું હૃદયપૂર્વક અભિનંદન આપુ છું. હું ચૂંટણી પંચને પણ અભિનંદન આપુ છું કે, તેઓએ શાનદાર રીતે સમગ્ર વિશ્ર્વને ભારતના લોક્તંની પ્રતિષ્ઠા વધે તે રીતે ચૂંટણીનું સંચાલન કરવાની મહાન પરંપરાને વિક્સાવી છે. તેનુ ઉદાહરણ આ ચૂંટણીમાં જોવા મળ્યું. તેથી હું ચૂંટણી પંચનું હૃદયપૂર્વક અભિનંદન કરું છું. ગુજરાતના મતદારોનો આભાર માનું છું કે તેઓએ આ લોક્તંત્રના ઉત્સવને આનબાનશાન સાથે ઉજવ્યો. ઉત્તમ પ્રકારે ચર્ચા કરી. ગુજરાતની જનતામાં વિવેક છે, તે સાંભળે બધાનું છે, અને જે સાચુ છે તે સ્વીકારવાનો ગુજરાતનો સ્વભાવ છે. તે મુજબ ભારે માત્રામાં મતદાન કરી રહ્યાં છે. તમે સૌનો આભાર.