મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઢોલ-નગારના તાલે વોટ કરવા પહોંચ્યા, બાદમાં કિટલી પર ચાની ચૂસ્કી લગાવી

અમદાવાદ,

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટેનું મતદાન આજે યોજાયું હતું ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શીલજ બુથ પર મતદાન કર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઢોલ-નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં સાથે સમર્થકો માથે કેસરિયા સાફા ધારણ કરી પહોંચ્યા હતા. જોકે, આ બાદ ભૂપેન્દ્ર પટેલે મત આપીને ચાની કિટલી પર ચાની ચૂસ્કી લગાવતા જોવા મળ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે શીલજ ખાતે અનુપમ સ્કુલમાં મતદાન કર્યુ હતું. પત્ની સાથે મતદાન કર્યા બાદ લોકોને પણ વોટ આપવા માટે અપીલ કરતા જોવા મળ્યા હતા. મતદાન બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યુ હતું કે, ગુજરાતમાં લોકશાહીના પર્વનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. શાંતિપૂર્ણ રીતે પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ હતુ. ત્યારે લોકશાહીના ઉત્સાહમાં સૌ ભાગીદાર થઈને બીજા તબક્કાના મતદાનમાં પણ મતદાન કરે તેવી મારી અપીલ છે. મતદારોમાં ખુબ જ ઉત્સાહ છે. સૌએ લોકશાહીના પર્વ માટે મતદાન કરવું જોઈએ. ગુજરાતની શાંતિ અને સલામતી માટે મહત્તમ મતદાન કરો એવી અપીલ છે.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઘાટલોડિયા મત વિસ્તારનાના મતદાન મથક ૯૫ શિલજ અનુપમ સ્કૂલ ખાતે મતદાન કર્યું

દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં મતદાન કર્યું. તેમની સાથે તેમના પત્ની સોનલબેન શાહ અને પુત્ર જય શાહ પણ મતદાન કરવા આવ્યા હતા. અમિત શાહ સહિત તેમના પરિવારે નારણપુરામાં મતદાન કર્યું છે. તેમના પરિવારે મ્યુનિસિપલ સબ ઓફિસે મતદાન કર્યું હતું.

નેતાઓ અને ઉમેદવારો સાથે પૂર્વ ક્રિકેટરે પણ મતદાન કર્યું હતું. વડોદરામાં પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયમાં મત આપ્યા બાદ પૂર્વ ક્રિકેટરે સૌથી વધુ મતદાન કરવા વડોદરાવાસીઓને અપીલ કરી હતી.