ગુજરાતે વાતો કરી, મુંબઇનું બોલિવુડ આ રાજ્ય લઇ ગયું.અબ પછતાયે ક્યા હો ?

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એવી જાહેરાત કરી હતી કે “મુંબઇનું બોલિવુડ હવે ગુજરાતમાં શિફ્ટ થશે, કારણ કે ગુજરાત 10થી વધુ એન્ટરટેઇનમેન્ટ ઝોન, 10 ફિલ્મસિટી અને 8 ફિલ્મ સ્ટુડિયો બનાવી રહ્યું છે.” – કાશ, નરેન્દ્ર મોદીના આ શબ્દો સાચા પડ્યાં હોત, પરંતુ સ્થિતિ એવી સર્જાઇ છે કે મુંબઇનું બોલિવુડ હવે ઉત્તરપ્રદેશ શિફ્ટ થઇ રહ્યું છે.

ગુજરાત સરકારે મંજૂરીઓ આપવામાં વિલંબ કરતાં ફિલ્મ નિર્માતાઓએ બીજા રાજ્યની પસંદગી કરી લીધી છે. ઉત્તરપ્રદેશના ગૌતમબુદ્ધ નકર જિલ્લાના નોઇડામાં શાનદાર ફિલ્મ સિટી બની બનાવવામાં આવશે. લખનૌમાં ઉચ્ચ અધિકારીઓની એક બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી હતી કે નોઇડા, ગ્રેટર નોઇડા અને યમુના એક્સપ્રેસ વે ના વિસ્તારમાં વિશાળકાય ફિલ્મ સિટી બનાવવામાં આવશે.

ગુજરાતે માત્ર જાહેરાત કરી હતી કે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફિલ્મસિટી બનાવવામાં આવશે. નરેન્દ્ર મોદીના શાસનમાં 24 જેટલી ફિલ્મ હસ્તીઓ તેમજ ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મ સિટી અને સ્ટુડિયોના વચનો આપ્યાં હતા પરંતુ તેમાં વર્તમાન સરકારના ઉદ્યોગ અને પ્રવાસન વિભાગે મોનિટરીંગ નહીં કરતાં આ પ્રોજેક્ટ હવે બીજા રાજ્યમાં સરકી રહ્યો છે.

પ્રવાસન વિભાગે મહાત્મા મંદિર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત રાજ્યના 105 જેટલા એવાં લોકેશન પણ શોધી કાઢ્યાં છે કે જ્યાં ફિલ્મોના શૂટીંગ થઇ શકે તેમ છે પરંતુ વિભાગના ઉચ્ચ ઓફિસરો બોલિવુડના નિર્માતા અને ફાયનાન્સરોનો સંપર્ક કરવાનો ચૂકી ગયા લાગે છે.

દક્ષિણ ગુજરાતના વલસાડમાં ફિલ્મ સ્ટુડિયો અને ફિલ્મ સિટી બનાવવાની થતી હતી પરંતુ હવે તે નહીં બને, કારણ કે આ સિટી બીજા રાજ્યમાં જતી રહી છે. મુંબઇથી નજીક વલસાડ આવેલું છે અને ફિલ્મ નિર્માતાઓએ આ જિલ્લામાં ફિલ્મસિટી અને ફિલ્મ સ્ટુડિયો ઉભો કરવાની દરખાસ્ત સરકારમાં 2007માં આપી હતી પરંતુ સરકારના સંકલનના અભાવે ફિલ્મ નિર્માતાઓ અને ફાયનાન્સરોની આ દરખાસ્તમાં કોઇ ફોલોઅપ નહીં થતાં ગુજરાતને નુકશાન થયું છે.

Don`t copy text!