સંસદના ચોમાસુ સત્રમાં અનેક મુદ્દે મોદી સરકારે ગૃહમાં એવો જવાબ આપ્યો છે કે તેમની પાસે આંકડા ઉપલબ્ધ નથી. ગત સપ્તાહે લોકડાઉનમાં પરપ્રાંતિય મજૂરોના મોત બાદ હવે ખેડૂતોના મોતના મામલે પણ કેન્દ્રે કહ્યું હતું કે તેમની પાસે આંકડા નથી. વિપક્ષે સરકારને ઘેરતા જોરદાર ટોણો માર્યો છે. કોંગ્રેસના નેતા શશિ થરૂરે મંગળવારે એક કાર્ટૂન ટ્વીટ કરીને કેન્દ્રની એનડીએ સરકાર સામે વ્યંગાત્મક કટાક્ષ કર્યો હતો.
થરૂરે ટ્વીટ કરીને NDA- No Data Available એવું દર્શાવતું એક કાર્ટૂન શેર કર્યું હતું અને સાથે જ લખ્યું કે, પરપ્રાંતિય મંજૂરોનો કોઈ ડેટા નથી, ખેડૂતોની આત્મહત્યાનો પણ કોઈ ડેટા કેન્દ્ર પાસે નથી. નાણાકીય સ્ટિમ્યુલસ અંગે ખોટી વિગતો છે, કોવિડથી થયેલા મોતના પણ ભ્રામક આંકડા છે, જેડીપી ગ્રોથને લઈને કોઈ સ્પષ્ટ ડેટા નથી. આ સરકારે NDAની ટર્મની પરિભાષા જ બદલી નાંખી છે.
સંસદમાં સરકારને ખેડૂતોની આત્મહત્યા, લોકડાઉનમાં મૃત્યુ પામનાર પરપ્રાંતિય મજૂરોની સંખ્યા, કોરોના વાયરસથી રોજગારી ગુમાવનાર લોકોની સંખ્યા, દેશમાં ગેરકાયદે પ્રવાસીઓની સંખ્યા, કોરોનાથી થયેલા હેલ્થકેર કર્મીઓના મૃત્યુ અને દેશમાં કુલ પ્લાઝ્મા બેન્કની સંખ્યાને લઈને પ્રશ્નો પૂછ્યા હત પરંતુ સરકારે તેના પર કોઈ જવાબ રજૂ કર્યા નથી.
ખેડૂતોની આત્મહત્યા મામલે સરકારે જણાવ્યું કે રાજ્યોએ આકંડા ઉપલબ્ધ નથી કરાવ્યા. ગરેકાયદે પ્રવાસીઓ પર સરકારે હાલ પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવ્યું છે. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં સોમવારે જણાવ્યું કે ગેરકાયદે પ્રવાસીઓ ભારતમાં છુપી રીતે પ્રવેશે છે, જેથી તેમની ભાળ મેળવવાની અને ધરપકડ કરીને પરત મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે.
રવિવારના કોંગ્રેસના સાંસદ પી ચિદમ્બરમે સરકાર પાસે આંકડાકીય માહિતીનો અભાવ હોવાનું કહીને પ્રહાર કર્યો હતો. પૂર્વ નાણાં મંત્રીએ જણાવ્યું કે, આ સ્થિતિમાં કૃષિ મંત્રીને એ ક્યાંથી ખ્યાલ હશે કે ક્યા ખેડૂતે ક્યા વેપારીને તેનો પાક વેચ્યો. તેમને કેવી રીતે ખ્યાલ આવશે કે દેશમાં કેટલા લાખો સોદો થઈ રહ્યા છે. જો તેમની પાસે આંકડાકીય વિગતો નહીં હોય તો ટેકાના ભાવ દરેક સોદામાં ચૂકવવામાં આવે છે તે કેવી રીતે નક્કી થશે.