દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ૨૫૦ વોર્ડ માટે મતદાન યોજાયું: સરેરાશ ૫૭ ટકા મતદાન

  • કેજરીવાલે પરિવાર સાથે મતદાન કર્યું, દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ મતદાન કર્યા વિના પરત ફર્યા,૧૩૪૯ ઉમેદવારોનું ભાવિ કેદ.

નવીદિલ્હી,

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ૨૫૦ વોર્ડ માટે આજે કડક સુરક્ષા બંદોદસ્ત વચ્ચે મતદાન યોજાયું હતું. ૨૫૦ વોર્ડમાં સરેરાશ ૫૭ ટકા જેટલું મતદાન થયું હતું કેટલાક સ્થળોએ ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના બનાવો બન્યા હતાં તો કેટલાક સ્થળોએ ઇવીએમ મશીન બગડી ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આજે સવારે ઠંડી હોવા છતાં મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચી ગયા હતાં મતદાન દરમિયાન વૃદ્ધ મતદારોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.મહિલાઓ અને પ્રથમવાર મતદાન કરી રહેલ યુવાનોએ પણ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. ભાજપ અને આપ વચ્ચે જોરદાર ટક્કર છે. એક તરફ ભાજપ દારૂ અને ભ્રષ્ટાચારના મુદ્દે આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહ્યું છે તો બીજી તરફ આપનું કહેવું છે કે દિલ્હીની ગંદકી માટે ભાજપ જવાબદાર છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિવાર સાથે સિવિલ લાઇન્સના અંડર હિલ રોડ પોલિંગ બૂથ પર સવારે ૧૦:૩૦ કલાકે મતદાન કર્યું. વોટ આપ્યા બાદ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આપણે દિલ્હીને ખૂબ પ્રેમ કરીએ છીએ, દિલ્હીના લોકોને વોટ કરવાની અપીલ છે. તમે કામ કરતી પાર્ટીને મત આપો, કટ્ટર ઈમાનદાર પાર્ટીને મત આપો, શરીફને મત આપો, ભ્રષ્ટાચારીઓને નહીં. આગામી પાંચ વર્ષ કામ કરીને દિલ્હીને ચમકાવવાનું છે.

ભાજપ સાંસદ પ્રવેશ વર્મા અને તેમની પત્નીએ મટિયાલા ગામમાં એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો હતો. વોટ આપ્યા બાદ બીજેપી સાંસદે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગોવા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવવાનો દાવો કરી રહી હતી, પરંતુ લોકો જાણે છે કે, તેમને જૂઠું બોલવાની આદત છે. કોવિડ દરમિયાન, આપમાંથી કોઈ પણ લોકો માટે કામ કરતું જોવા મળ્યું ન હતું. માત્ર એમસીડીના કાર્યકરો જ લોકોની સાથે ઉભા હતા.ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન કૃષ્ણા નગરના મતદાન કેન્દ્ર પર પહોંચ્યા અને પોતાનો મત આપ્યો હતો. તેમણે કહ્યું કે, મને ખાતરી છે કે, મોટી સંખ્યામાં લોકો દિલ્હીથી મતદાન કરશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપે દેશને નવી ઉંચાઈઓ પર પહોંચાડ્યો છે, મને આશા છે કે, લોકો તે મુજબ મતદાન કરશે. દિલ્હીએ છેલ્લા ૧૫ વર્ષમાં ભાજપનું કામ જોયું છે.

કોંગ્રેસ નેતા અલકા લાંબાએ રઘુબીર નગરના મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો. જે બાદ તેમણે કહ્યું કે, હું લોકોને અપીલ કરું છું કે, તેઓ ઘરની બહાર આવીને મતદાન કરે. લોકોએ પરિવર્તન માટે મત આપવો જોઈએ. કોંગ્રેસ નેતા અજય માકેન એમસીડી ચૂંટણી માટે મતદાન કરવા માટે રાજૌરી ગાર્ડનમાં એક મતદાન મથક પર પહોંચ્યા હતા. એમસીડી ચૂંટણીમાં પોતાનો મત આપ્યા બાદ કોંગ્રેસના નેતા અજય માકને જણાવ્યું હતું કે, આ ચૂંટણી ગલી, કચરો, ગટર અને સ્વચ્છતાની ચૂંટણી છે, મને લાગે છે કે, કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર શ્રેષ્ઠ છે. ગત વખતે અમને ૨૪ ટકા મત મળ્યા હતા અને ૩૧ બેઠકો જીતી હતી. ૨૦૧૯માં પણ અમને ૨૨-૨૩ ટકા વોટ મળ્યા હતા.દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અનિલ ચૌધરીનું કહેવું છે કે તેમનું નામ મતદાર યાદીમાં નથી. તેઓ પોતાનો મત આપ્યા વિના પરત ફર્યા હતા.

ચૂંટણીને યાનમાં રાખીને દિલ્હીના લાજપત નગર, ગાંધીનગર, કૃષ્ણાનગર, કમલા નગર, કરોલ બાગ સહિત તમામ જથ્થાબંધ અને છૂટક બજારો બંધ રહ્યાં હતાં. જયારે સવારે ૪ વાગ્યાથી જ મેટ્રો સેવા શરૂ કરવામાં આવી હતી. મેટ્રો દરેક લાઇન પર દર અડધા કલાકે સવારે ૪ થી સવારે ૬ વાગ્યા સુધી ઉપલબ્ધ રહી હતી અને સાંજે ૬ વાગ્યા પછી સામાન્ય રીતે ચાલુ થઇ હતી દિવ્યાંગ મતદારે સૌપ્રથમ પોતાનો મત રાઉઝ એવન્યુ વિસ્તારના મતદાન મથક પર આપ્યો હતો.કડકડતી ઠંડી વચ્ચે લોકો દિલ્હીના મટિયાલા ગામમાં મતદાન મથક પર મતદાન કરવા માટે ક્તારમાં ઉભા રહ્યાં હતાં દિલ્હીના વૃદ્ધ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો સિવિલ લાઇન્સમાં મતદાન મથક પર વરિષ્ઠ નાગરિકોએ મત આપ્યો હતો દિલ્હીના મટિયાલા ગામમાં એક મતદાન મથક પર મોક પોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

એમસીડી ચૂંટણી માટે ૧૩૪૯ ઉમેદવારો મેદાનમાં હતાં જેમાં ૭૦૯ મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. જેના ભાવી મતદારોએ સીલ કર્યા છે. તમામ ૨૫૦ બેઠકો પર ભાજપ અને આપે પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસના ૨૪૭ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેડીયુ ૨૩ સીટો પર ચૂંટણી લડી રહી છે જ્યારે એઆઇએમઆઇએમએ ૧૫ ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભાજપે ૨૦૦૭ની એમસીડી ચૂંટણી જીતી હતી, જ્યારે કોંગ્રેસની કેન્દ્ર અને દિલ્હી બંનેમાં સત્તામાં હતી. પરંતુ ભાજપ ૨૦૦૮માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતી શક્યું ન હતું. આ દરમિયાન શીલા દીક્ષિત રેકોર્ડ ત્રીજી વખત સત્તામાં આવ્યા હતા.

૨૦૧૨માં એમસીડી ચૂંટણીમાં બીજેપીએ ફરી જીત મેળવી હતી. જોકે, ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં તેનો પરાજય થયો હતો. આ વર્ષે અરવિંદ કેજરીવાલે સરકાર બનાવી હતી. જો કે તેમની સરકાર માત્ર ૪૯ દિવસ ચાલી. આ પછી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું. ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીમાં પણ ભાજપે જીત મેળવી હતી. આ દરમિયાન આપ બીજા ક્રમે રહી હતી. જો કે, છછઁએ ૨૦૧૮માં દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતી હતી.