થારચાલકે નશામાં અકસ્માત કર્યો, પબ્લિક ‘ભાનમાં’ લાવી:હિમાલયા મોલ પાસે નબીરો છરો કાઢી લોકોને મારવા દોડતાં લોકોએ ધોલાઈ કરી; 3 કાર-ટૂવ્હીલરને અડફેટે લેતાં 8ને ઈજા

અમદાવાદના ડ્રાઈવ ઈન રોડ પરના હિમાલયા મોલ પાસેથી 24 માર્ચને સોમવારે રાતે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં થાર લઈને નીકળેલા હરેશ ઉર્ફે આકાશ ઠાકોરે 4થી 5 વાહનને અડફેટે લીધાં હતાં. ત્યાર બાદ કાર રોકાઈ જતાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને કાર પાસે પહોંચ્યું હતું, જેથી કારચાલક છરો લઈને બહાર નીકળતાં રોષે ભરાયેલા લોકોએ તેની ધોલાઈ કરી હતી. તેમ છતાં તે રોડ પરથી મોટો પથ્થર ઉપાડીને લોકોને મારવા દોડ્યો હતો. આખરે પોલીસ આવતાં તેને પકડીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. અકસ્માત તેમજ દારૂ પીને યુવકે કરેલા હુમલામાં 8 જેટલા માણસોને સામાન્ય ઈજા થઈ હતી.

છરો લઈને મારવા દોડતાં લોકોએ ફટકાર્યો હિમાલયા મોલ પાસેથી ગતરાતે 9.45 વાગ્યે પૂરઝડપે પસાર થઈ રહેલી થારના ચાલકે પહેલાં ટૂ-વ્હીલર, ત્યાર બાદ 3 કારને ટક્કર મારી હતી. તેમ છતાં થારચાલકે કાર રોકી ન હતી, પરંતુ થોડે જ આગળ એક કાર સાથે થાર અથડાતાં તે રોકાઈ ગઈ હતી. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ ભેગા થઈ ગયા હતા અને થાર પાસે પહોંચ્યા હતા. આ સમયે થારમાંથી છરા સાથે ઊતરી યુવક લોકોને મારવા દોડ્યો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ થારચાલકને રસ્તામાં દોડાવી-દોડાવીને લાફા અને લાતોથી ફટકાર્યો હતો. બાદમાં કારચાલક યુવકે હાથમાં પથ્થર લેતા લોકો દૂર જતાં રહ્યા હતા. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.

અમદાવાદના હિમાલયા મોલ પાસે ગઈકાલે રાતે થયેલા અકસ્માતમાં અકસ્માત કરનાર યુવક 24 વર્ષનો હરેશ ઉર્ફે આકાશ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. તે થલતેજ પાસે રહે છે રાતના સમયે તેણે ચિક્કાર હાલતમાં દારૂ પીધો હતો અને તે થાર લઈને નીકળ્યો હતો. જે દરમિયાન હિમાલયા પાસે આવેલા ટ્રાફિક સિગ્નલ પર આગળ ઉભેલી કારને જોરથી ટક્કર મારી હતી. આગળની કારમાં પ્રેરકભાઈ મોદી તેમના પિતા અને તેમની પત્ની હતા. જેઓ ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી ઉભા હતા . અકસ્માતમાં પાછળથી કાર ભટકાતા પ્રેરકભાઈની કારને નુકસાન થયું હતું અને તેમનું પાછળનું બમ્પર નીકળી ગયું હતું. જેથી તેમણે કારમાંથી ઉતરીને થાર ચલાવી રહેલા હરેશ ઉર્ફે આકાશ ઠાકોરને આવી રીતે કાર કેમ ચલાવે છે તેવું કહ્યું તો તેણે જવાબ આપ્યો કે રસ્તા વચ્ચે ગાડી ઉભી હતી એટલે એક્સિડન્ટ થઈ ગયો. જે બાદ બંને વચ્ચે રકજક થઈ ગઈ હતી.

થોડીવાર બાદ પ્રેરક ભાઈના પિતા પણ બહાર આવ્યા ત્યારે હરેશ ઉર્ફે આકાશે તેની સાથે ઝઘડો કર્યો અને તેમની સાથે હાથાપાઈ કરવા લાગ્યો હતો અને જોતજોતામાં આકાશ પોતાના હાથમાં ઈંટ લઈને લોકોને મારવા દોડ્યો હતો. તે સમયે અન્ય લોકો પણ ભેગા થઈ જતા પોલીસને આ વાતની જાણ થઈ હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળેથી આકાશને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં આકાશ ફૂલ દારૂ પીધેલી હાલતમાં હતો, જ્યારે અકસ્માતના કારણે નુકસાન થતાં તેમજ પિતા સાથે ઝપાઝપી અને તેમનો ફોન ખોવાઈ જવાના સંદર્ભે પ્રેરકભાઈની ફરિયાદ પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. લોકોએ ઢોર માર મારતા આરોપીને માથાના ભાગે ઈજા પહોંચી હતી. હાલ પોલીસે આ સંદર્ભે બે અલગ અલગ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તો બીજી તરફ સુરતના સિંગણપોર વિસ્તારમાં ગઈકાલે (24 માર્ચ) રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. મહિલા કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા રોડની વચ્ચે રહેલા ડિવાઇડરમાં કાર ઘુસાડી દીધી હતી. જેના પગલે કારચાલક મહિલા અને કારમાં સવાર અન્ય એક મળી કુલ બે લોકોને ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. આ સાથે સિંગણપોર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે