અબુધાબીથી આવેલા બે પ્રવાસીઓ પાસેથી 3 કિલો સોનું ઝડપાયું:લિક્વિડ ફોર્મમાં કેમિકલ મિક્સ કરી કમરના ભાગે સંતાડ્યું હતું, ગોલ્ડની કિંમત 2.76 કરોડ

અબુધાબીથી અમદાવાદ આવેલા બે પ્રવાસી પાસેથી પોણાત્રણ કરોડની કિંમતનું ત્રણ કિલોથી વધુ ગોલ્ડ ઝડપાતાં એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બંને પ્રવાસીઓએ જીન્સ પેન્ટના કમરના ભાગે પ્લાસ્ટિક સ્ટ્રિપમાં સોનું સંતાડ્યું હતું. સોનું સેમી લિક્વિડ ફોર્મમાં કેમિકલ સાથે મિક્સ કરીને લાવવામાં આવ્યું હતું.

ગલ્ફ ક્ન્ટ્રીઝમાંથી અમદાવાદ આવતા પ્રવાસીઓ પાસેથી અવારનવાર દાણચોરી કરી લાવવામાં આવેલું સોનું ઝડપાતું હોય છે. આજે અબુધાબીથી આવેલા બે પ્રવાસીને ઝડપી તપાસ કરતાં તેમની પાસેથી ત્રણ કિલો ગોલ્ડ, બે સોનાની ચેઈન મળ્યાં હતાં. બંને પ્રવાસીઓએ જીન્સ પેન્ટમાં કમરના ભાગે પ્લાસ્ટિક સ્ટ્રિપમાં સોનું સંતાડ્યું હતું. સોનું સેમી લિક્વિડ ફોર્મમાં કેમિકલ સાથે મિક્સ કરીને લવાયું હતું.

બંને પેસેન્જર પાસેથી 2 સોનાની ચેઇન ગળામાં અને એક સોનાનો સિક્કો મળ્યો હતો. જે બે શખસ ઝડપાયા છે એમાં એક યાત્રિક પાસેથી 1543 ગ્રામ અને અન્ય પેસેન્જર પાસેથી 1507 ગ્રામ સોનું મળતાં બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીના કિસ્સાઓમાં ચોંકાવનારો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે રૂ. 50 કરોડના સોનાની દાણચોરી ઝડપી પાડી છે. માત્ર કેરિયર કે એરલાઇન્સનો સ્ટાફ નહિ, પરંતુ એરપોર્ટ સ્ટાફ અને કસ્ટમ્સના સિનિયર અધિકારીઓની પણ સ્મગ્લિંગમાં સંડોવણી સામે આવી હતી. એને પગલે કસ્ટમ વિભાગના સિનિયર અધિકારીઓની આખી ટીમને એરપોર્ટ પર તહેનાત કરી દેવામાં આવી છે. એના કારણે કસ્ટમ વિભાગે માર્ચથી ફેબ્રુઆરી દરમિયાન એક વર્ષમાં રૂ. 50.20 કરોડનું કુલ 66 કિલો, 24 કેરેટ સોનાની દાણચોરી ઝડપી પાડી છે.

અત્યારસુધી દુબઇથી સોનાની દાણચોરી થતી હતી, પરંતુ હવે દાણચોરીનું રેકેટ જેદ્દાહથી થઇ રહ્યું છે, જેમાં સામાન્ય પરિવારના લોકોને ફલાઇટની ટિકિટ આપવાની લાલચ સાથે સામાનમાં દાણચોરીનું સોનું મોકલવામાં આવે છે. એમાં મોટા ભાગના લોકોને ખ્યાલ હોતો નથી કે તેઓ શું લઇને આવી રહ્યા છે.