
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં સંભવત: પ્રથમ વખત ACBની રેડ પડી અને તેમાં પરીક્ષા વિભાગનો કોન્ટ્રાક્ટ આધારિત ક્લાર્ક રૂ. 5000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો. આ કિસ્સાએ પરીક્ષા વિભાગની પોલ ખોલી નાખી છે. દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે પરીક્ષા વિભાગમાં પહોંચી તો સામે આવ્યું કે અહીં 3 માળના બિલ્ડિંગમાં માત્ર લોબીમાં જ 11 CCTV કેમેરા ચાલુ છે. જ્યારે 14 વિભાગો અને ચેમ્બરોમાં આવેલા તમામ CCTV કેમેરા છેલ્લા 6 વર્ષથી વધુ સમયથી બંધ છે. જેથી કોઈ વિભાગ કે ચેમ્બરમાં નાણાનો કોઈ વહીવટ થતો હોય તો તે બહાર ન આવે. સાથે જ યુનિવર્સિટીના પેપરોની જ્યાં ચકાસણી થાય છે તે કન્વેન્શનલ સેન્ટર કે જે ખાડા તરીકે ઓળખાય છે ત્યાં એક પણ કાયમી કર્મચારી નથી અને ત્યાં પણ CCTV કેમેરા બંધ છે.
વિદ્યાર્થીઓએ ફી રૂબરૂ ભરવા માટે પરીક્ષા વિભાગમાં આવવું પડે છે આ ઉપરાંત અહીં કોઈ વિદ્યાર્થી સમય મર્યાદામાં પરીક્ષા ફોર્મ ભરવાનું ભૂલી ગયો હોય તો તેમનું ફોર્મ લેટ ફી સાથે સ્વીકારવામાં આવે છે અને તે ફી વિદ્યાર્થીઓએ રૂબરૂ ભરવા માટે પરીક્ષા વિભાગમાં આવવું પડે છે. એક્સટર્નલ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને પણ પરીક્ષા ફોર્મ અને ફી ભરવા માટે યુનિવર્સિટીએ આવવું પડે છે.
પરીક્ષા સેકશનમાં માત્ર 8 જ કાયમી અને 60 કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ પરીક્ષા વિભાગની તમામ પ્રક્રિયાઓ ઓનલાઇન ન થતા ઓફલાઈન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓનાં નાના-મોટા કામ માટે નાણા લેવામાં આવતા હોવાનો અને આ પ્રકારનું કૃત્ય મોટાભાગે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ જ કરતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સમગ્ર પરીક્ષા સેકશનમાં માત્ર 8 જ કાયમી અને 60 કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ છે. જોકે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી લાંચ લેતા ઝડપાઈ જતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શાખને નુકસાન પહોંચ્યું છે.
વિભાગ અને ચેમ્બરની અંદર આવેલા કેમેરા બંધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગમાં આવેલા કેટલાક CCTV કેમેરા ચાલુ છે અને કેટલાક બંધ છે. આ બાબતે ઇન્ચાર્જ રજીસ્ટ્રાર મનીષ ધામેચાને પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, પરીક્ષા વિભાગમાં લોબીમાં આવેલા CCTV કેમેરાઓ ચાલુ છે જ્યારે વિભાગ અને ચેમ્બરની અંદર આવેલા કેમેરા બંધ છે. તેમણે ઉમેર્યું કે વર્ષ 2017-18માં તત્કાલીન કુલપતિ ડૉ. પ્રતાપસિંહ ચૌહાણના સમયગાળા દરમિયાન કર્મચારી મંડળ દ્વારા એક રજૂઆત કરવામાં આવી હતી કે પરીક્ષા વિભાગમાં કામ કરતા સ્ટાફમાં મોટાભાગના બહેનો છે. તેઓની સુરક્ષા માટે વિભાગની અંદર અને ચેમ્બરમાં આવેલાં CCTV કેમેરા બંધ કરવામાં આવે અને ત્યારથી આ CCTV કેમેરા બંધ છે.
એક્ઝામ સેક્શનમાં આ 14 વિભાગોની અંદર CCTV કેમેરા બંધ
1. કન્ટ્રોલર ઓફ એક્ઝામિનેશન 2. પ્રિ એક્ઝામિનેશન ( પરીક્ષા 1) 3. કોન્ફિડન્સીયલ સેક્શન (પરીક્ષા 2) 4. પોસ્ટ એક્ઝામિનેશન (પરીક્ષા 3) 5. રી અસેસમેન્ટ (પરીક્ષા 4) 6. ડિગ્રી કોનવોકેશન (પરીક્ષા 5) 7. એક્ઝામ સેલ (પરીક્ષા 6) 8. એક્સટર્નલ એક્ઝામ સેક્શન 9. એક્ઝામ કોમ્પ્યુટર 10. CCTV મોનીટરીંગ/કંટ્રોલ રૂમ 11. એક્ઝામ RTI (સંકલન) PG પોર્ટલ (ગ્રિવીઅન્સિસ) 12. એક્ઝામ ઇંકવાયરી 13. એક્ઝામ EPABX 14. કનવેંશનલ સેન્ટર (પેપર ચેકીંગ જે જગ્યાએ થાય છે તે)
કેમેરા બંધ કરવા બાબતે રજૂઆત થઈ હોય તેનો ખ્યાલ નથી આ બાબતે કર્મચારી મંડળના પ્રમુખ રણજીતસિંહ ચાવડાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં કર્મચારી મંડળનો પ્રમુખ છું પરંતુ અગાઉ પરીક્ષા સેક્શનના તમામ વિભાગોની અંદર અને ચેમ્બરોમાં સીસીટીવી કેમેરા બંધ કરવા બાબતે રજૂઆત થઈ હોય તેનો મને ખ્યાલ નથી કારણ કે ત્યારે હું પ્રમુખ તરીકે નહોતો પરંતુ છતાં તપાસ કરીને કહું છું. જે બાદ તેમનો ફોન આવ્યો ન હતો.
પરીક્ષા વિભાગ કરાર આધારિત સ્ટાફ ઉપર નિર્ભર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહ છે. જ્યારે નિલેશ સોની કે જેઓને નિવૃત્ત થયા બાદ ઑફિસર ઓન સ્પેશિયલ ડ્યુટીનો ચાર્જ અપાયો છે. અહીં 14 વિભાગો વચ્ચે 4 સેક્શન અધિકારી સહિત માત્ર 8 વ્યક્તિનો કાયમી સ્ટાફ છે. જ્યારે 60 જેટલા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેને લીધે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ કરાર આધારિત સ્ટાફ ઉપર નિર્ભર છે. યુનિવર્સિટીના પેપરોની જ્યાં ચકાસણી થાય છે તે કન્વેન્શનલ સેન્ટર કે જે ખાડા તરીકે ઓળખાય છે ત્યાં એક પણ કાયમી કર્મચારી નથી અને ત્યા CCTV કેમેરા પણ બંધ છે.
હિરેન પદવાણીએ ફોર્મ ભરવા માટે 5 હજારની લાંચ માંગી હતી ઉલ્લેખનીય છે કે, ગત તા. 13 માર્ચના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કલાર્ક દ્વારા રાજકોટ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી પાસેથી લાંચ લેવામાં આવી હતી. શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલને બીએ સેમ.6માં એટીકેટી હોવાથી પરીક્ષા આપવા માટે ક્લાર્કનો સંપર્ક કર્યો હતો. ક્લાર્ક હિરેન પદવાણીએ ફોર્મ ભરવાની કાર્યવાહી માટે રૂ.5 હજારની લાંચ માંગી હતી અને જે લાંચ સ્વીકારતા રંગેહાથ રાજકોટ એસીબીની ટીમે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એસીબીએ ટ્રેપ ગોઠવી હતી ફરિયાદી પોતે અભ્યાસ કરતા હોય અને પોતાને સેમેસ્ટર-6નું એટીકેટી માટેનું ફોર્મ ભરવાનું શરતચૂકથી રહી ગયેલું હતું. જે સેમેસ્ટર-6નું લેઇટ ફોર્મ ભરાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો સંપર્ક કર્યો હતો. ત્યારે પરીક્ષા વિભાગમાં કરાર આધારિત ક્લાર્ક તરીકે નોકરી કરતાં હિરેન જગદીશ પદવાણી (ઉ.વ.36)એ લેઈટ ફોર્મ ભરવા માટે કાર્યવાહી કરવી પડે અને ફોર્મ ભરવા માટે રૂ.5 હજારની લાંચ માંગી હતી જેથી અરજદાર પોતે રાજકોટ શહેર પોલીસમાં ટ્રાફિક વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં હોય અને તેમને લાંચ આપવી ન હોય જેથી રાજકોટ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબી ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવીઝન હેઠળ પીઆઈ પી.એ.દેકાવાડીયા અને ટીમે ટ્રેપ ગોઠવી હતી.

અરજદાર પોતે લાંચની રકમ આપવા ગયા અને આરોપીએ લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. એસીબીની ટીમે આરોપીને પકડી સઘન પૂછતાછ હાથ ધરી તેના રહેણાંક મકાન પર તપાસ કરી હતી.