
આગામી હોળી-ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખીને 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસે મહત્વપૂર્ણ તૈયારીઓ કરી છે. આંકડાકીય માહિતી મુજબ, 13 માર્ચે હોળીના દિવસે સામાન્ય દિવસોની સરખામણીએ 3.61 ટકા વધારા સાથે 3,870 ઇમર્જન્સી કેસ નોંધાવાની શક્યતા છે.
પંચમહાલ જિલ્લામાં તમામ તાલુકાઓમાં 20 એમ્બ્યુલન્સ સાથે 100 કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવશે. 14 માર્ચે ધૂળેટીના દિવસે ઇમરજન્સી કેસમાં 29.88 ટકાનો વધારો થઈ 4,851 કેસ નોંધાઈ શકે છે. સામાન્ય દિવસોમાં સરેરાશ 3,735 કેસ નોંધાય છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત રોડ અકસ્માત અને શારીરિક હુમલાના કેસો છે. રોડ અકસ્માતમાં હોળીએ 36.10 ટકા અને ધૂળેટીએ 89 ટકાનો વધારો થઈ શકે છે. શારીરિક હુમલાના કેસોમાં હોળીએ 72.93 ટકા અને ધૂળેટીએ 243.61 ટકાનો વધારો થવાની સંભાવના છે.
108ના સીઓઓ જશવંત પ્રજાપતિના જણાવ્યા મુજબ, રાજ્યભરમાં 838 એમ્બ્યુલન્સ 24×7 સેવા આપશે. અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા અને વલસાડમાં બંને દિવસે 20 ટકાથી વધુ કેસ નોંધાવાની શક્યતા છે. તેમણે નાગરિકોને સંયમપૂર્વક વાહન ચલાવવા અને વિવાદોથી દૂર રહેવા અપીલ કરી છે. કોઈપણ ઇમરજન્સીમાં તાત્કાલિક 108 પર કૉલ કરવા જણાવ્યું છે. હોસ્પિટલોમાં વધારાનો સ્ટાફ તૈનાત કરવામાં આવશે.