​​​​​​​ધનેશ્વર જૈન દેરાસરમાં મૂર્તિ તોડફોડ કેસ, ત્રણ આરોપીની ધરપકડ:ક્રિકેટ રમતા યુવાનોએ મસ્તીમાં કર્યું કૃત્ય; દેરાસરના મિજાગરા નકુચા તોડી ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ ખંડિત કરી

ઘોઘંબા તાલુકામાં સાત કિલોમીટર દુર આવેલ ધનેશ્વર ગામમાં વિજય ઈન્દ્ર જગત વિદ્યાલય નામની સ્કુલ ચાલે છે. તેના પટાંગણમાં જૈનોના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું સુંદર નાનું જિનાલય આવેલું છે. જેમાં ગઈકાલે કેટલાક અજાણ્યા ઈસમોએ દેરાસરના મિજાગરા નકુચા તોડી અંદર બિરાજમાન ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે. પલાંઠી અને હાથ તોડી નાખવામાં આવ્યા છે. ગભારા બહાર ગૌતમ સ્વામીના પલાંઠી સિવાયનો સંપૂર્ણ ભાગ તોડી પડાયો છે અને વલ્લભસુરી મહારાજની મુર્તિનું માથું તોડી પડાયું છે, જેથી લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યાંનો પરમાર ક્ષત્રિય જૈન સમાજ રોષે ભરાયો છે.

પોલીસે આ મામલામાં ગણતરીના કલાકોમાં જ કાર્યવાહી કરીને ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ત્રણેય આરોપીઓ ધનેશ્વર ગામના જ રહેવાસી છે. તેઓ મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા. જે રમત દરમિયાન કેમ્પસમાં આવેલા દેરાસરમાં પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ દેરાસર નજીક પડેલા પથ્થરોનો ઉપયોગ કરીને મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું.

પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરી હતી, જેમાં તેમણે ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય નવા સ્મારક અધિનિયમ 2023ની કલમ 299 અને 324/2 હેઠળ ગુનો નોંધ્યો છે.

તપાસમાં સામે આવ્યું છે કે, આ કૃત્ય કોઈ ગંભીર ઇરાદા કે દ્વેષભાવથી નહીં, પરંતુ મસ્તી અને અટકચાળામાં કરવામાં આવ્યું હતું. જો કે, આવી ગંભીર બાબતને હળવાશથી લેવાઈ ન શકે તેથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાની જાણ થતાં સ્કૂલના બબલુભાઈ તથા પ્રિન્સિપાલ મહેન્દ્રભાઈ, પાવાગઢ તીર્થના ભરતભાઈ જૈન, સુખદેવ વ્યાસ સહિતના અગ્રણીઓ ઘોઘંબાના રાયગઢ પોલીસ ઇન્સ્પેક્ટને રજૂઆત કરી હતી. પોલીસે મામલાની ગંભીરતા જોતાં ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે.

આ દરમિયાનમાં જાણીતા જૈન અગ્રણી તથા પાવાગઢ તીર્થના મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ હિંદુ નેતા અને ધારાશાસ્ત્રી એવા નિરજ જૈન તાત્કાલિક ઘટના સાથે આવી પહોંચ્યા હતા. પોલીસ પણ આરોપીઓને પકડવા માટે ઝડપીથી ચક્રો ગતિમાન કર્યા હતા. આ ઘટના સંદર્ભે તુટેલી મૂર્તિના ફોટાઓ અને વીડિયો વાઇરલ થયા હતા. જેને લઇ જૈન સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. આ સંદર્ભે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

એડવોકેટ નિરજ જૈન જણાવ્યું કે, ધનેશ્વર ગામમાં મહાવીર સ્વામીની પ્રતિમા, ગૌતમ સ્વામીની પ્રતિમા અને વલ્લભસુરી મહારાજની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી. જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રાજગઢ પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને પકડી લીધા છે. જે લોકોએ આ કૃત્ય કર્યું છે એમનેને છોડવા ના જોઈએ. તેઓ આવું કરીને સમાજમાં શુ કરવા માંગે છે. આવા તત્વો ભગવાનની પ્રતિમા તોડે એટલે ધાર્મિક સંઘર્ષ ઉભો થાય છે. તો આ ન થાય તેના માટે આવા તત્વોની સામે પોલીસે કડકમાં કડક કર્યવાહી કરવી જોઈએ.