
તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલ મોરારિબાપુની રામકથામાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પહોંચી બાપુના શીર્ષ આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન મંચ પરથી સંબોધનમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ભોળા આદિવાસીઓને ખોટી રીતે ધર્મપરિવર્તન કરાવનારાઓ માટે કાયદામાં કોઇ છટકબારી નહીં બચે.
સરકાર દ્વારા ગંભીર પગલાં લેવામાં આવશે: હર્ષ સંઘવી તાપી જિલ્લા ખાતે ચાલી રહેલ મોરારિબાપુની રામકથામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે હોળીના તહેવાર નિમિત્તે હાજરી આપીને બાપુના શીર્ષ આશીર્વાદ મેળવ્યા હતા. સાથે સમગ્ર તાપી જિલ્લાના લોકોને હોળીના તહેવારની શુભકામનાઓ પાઠવી હતી. તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી દ્વારા જાહેર મંચ પરથી એક મોટું નિવેદન કરવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારના ભોળા આદિવાસી લોકોને અમુક તત્ત્વો દ્વારા ફોસલાવીને ખોટા રસ્તે લઈ જનાર લોકો પર સરકાર દ્વારા ગંભીર પગલાં લેવામાં આવશે. જેમાં પણ ખાસ કરીને જો જિલ્લામાં ધર્મપરિવર્તનને લઈને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ કરીને ખોટી રીતે ફસાવવામાં આવશે તેવા લોકો માટે કાયદાની કોઈપણ બારી નહીં બચે.

આજે હોળીના તહેવાર નિમિત્તે ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્ય મંત્રી મુકેશ પટેલ સહિત ભાજપ પ્રમુખ દ્વારા મોરારિબાપુને તિલક હોળી કરી હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. બીજી તરફ મોરારિબાપુ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં ફ્રી શિક્ષણને લઈને ધર્મપરિવર્તનની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે ઉદ્યોગપતિઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં શાળાઓ સ્થાપવા આવે. જે કોઈ વિસ્તારોમાં શાળાઓ શરૂ કરવામાં આવશે તેમાં મોરારિબાપુ દ્વારા એક લાખ રૂપિયાનું દાન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારા તાલુકા તેમજ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં મોટી સંખ્યામાં ચર્ચ અને ખ્રિસ્તીઓના પ્રેયર સ્થાન ઊભાં કરી દેવામાં આવ્યાં છે. એક-એક ગામમાં એકથી બે ચર્ચ અને પ્રેયર સ્થાન ઊભાં કરી દેવામાં આવ્યાં છે. આ બાબત જણાવે છે કે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ખાસ કરીને તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, ડોલવણ અને ઉચ્છલમાં મોટા પાયે આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો છે. સોનગઢ તાલુકામાં 500 કરતાં વધારે ચર્ચ, વ્યારા તાલુકામાં 200 કરતાં વધારે ચર્ચ, ડોલવણ અને ઉચ્છલ તાલુકામાં 100-100 સૌથી વધારે ચર્ચ બનાવવામાં આવ્યાં હોવાનો અંદાજ છે.