
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં તાંત્રિક દ્વારા પાંચ વર્ષની બાળકીની નરબલિ આપવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની કરુણતા તો એ છે કે બાળકી પોતાને બચાવવા માટે સતત રડતી રહી અને આજુબાજુમાંથી લોકો પણ દોડી આવ્યા. જો કે તાંત્રિકના હાથમાં કુહાડી હોવાથી કોઇ પણ માસૂમ બાળકીને બચાવવા આગળ ન આવી શક્યું અને તાંત્રિકે તેની બલિ ચડાવી દીધી. ઉલ્લેખનીય છે કે આ ઘટના બોડેલી તાલુકા પંચાતયના પ્રમુખ ડૉ. શિતલકુંવરબા મહારાઉલના ગામ પાણેજમાં બની હતી. જેથી તેઓ પણ દોડી આવ્યા હતા.
ચકચારી ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર પાણેજ ગામમાં આજે સવારે 5 વર્ષની સીતા ઘર બહાર રમતી હતી. તેમજ તેના માતા અને ભાઈ બહાર કપડાં ધોઇ રહ્યા હતા. આ દરમિયાન પડોશમાં રહેતો તાંત્રિક લાલો આવ્યો હતો અને બાળકનીને બળજબરીથી પોતાના ઘરમાં ખેંચીને લઇ ગયો હતો. જેથી ડરી ગયેલી બાળકી પોતાને બચાવવા માટે રડવા લાગી હતી. રડતી બાળકીનો અવાજ સાંભળી માતા પણ દોડી આવી હતી અને તેમણે બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. પરંતુ તાંત્રિક પાસે કુહાડી જોઈને બધા ગભરાઈ ગયા હતા. કોઈ બચાવવા જઇ શક્યું નહીં. તાંત્રિક બાળકીને લઈને તેના ઘરમાં જતો રહ્યો અને પોતાની પાસે રહેલી કુહાડી વડે ગાળાના ભાગે જોરદાર ઘા કરીને મોતને ઘાટ ઉતરી દીધી હતી.

તાંત્રિક લાલાએ બાળકીની બલિ તેના ઘરમાં બનેલા નાનકડા મંદિરના પગથિયા પર આપી હતી. તાંત્રિકે બાળકીના ગળા પર એટલો જોરદાર ઘા માર્યો હતો કે તેનું ગળું ધડથી અલગ થઇ ગયું હતું તેમજ ઘર લોહીલુહાણ થઇ ગયું હતું. તાંત્રિકે બાળકીનું લોહી મંદિરના પગથિયા પર પણ ચડાવ્યું હતું.
સમગ્ર ઘટના મામલે બાળકીના પરિવાર દ્વારા બોડેલી પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ દોડી આવી હતી અને આરોપી તાંત્રિક લાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. મહત્વની વાત છે કે છોટા ઉદેપુર જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે. અને અહીંયા અંધશ્રદ્ધા પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે બોડેલી પોલીસે નરબલિ લાગતા વધુ તપાસ હાથ ધરી છે.

છોટાઉદેપુરના ASP ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે, પાણેજ ગામમાં રહેતા જ્યોતિબેન તડવી ઘર બહાર કપડાં ધોઇ રહ્યા હતા. આ દરમિયાન તેમનો પડોશી લાલાભાઇ તડવી આવ્યો હતો અને જ્યોતિબેનની પાંચ વર્ષની દિકરીને ઉઠાવી ગયો હતો. લાલા તડવીના હાથમાં કુહાડી હતી જેથી માતા જ્યોતિબેને બૂમાબૂમ કરી પડોશીઓને બોલાવ્યા હતા. પરંતુ લાલા તડવીના હાથમાં કહાડી હોવાથી કોઇ પણ તેને બચાવી શક્યું નહીં અને લાલા તડવીએ ઘરમાં લઇ જઇને બાળકીની કહાડીથી હત્યા કરી નાખી. જ્યાર બાદ લાલા તડવીએ બાળકીની લાશ ઘરમાં બનેલા મંદિરના પગથિયા પાસે લઇ જઇ બાળકીનું લોહી પગથિયા પર ચડાવ્યું. આ મામલે આરોપીની લાલા તડવીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટીએ આ મામલો નરબલિનો લાગી રહ્યો છે. આરોપી વિકૃત માનસિકતાવાળો હોય તેવું લાગી રહ્યું છે. આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે કાળજું કંપાવનારી આ ઘટના બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ ડૉ. શિતલકુંવરબા મહારાઉલજીના ગામ પાણેજમાં બની હતી. ઘટનાની જાણ થતાં શિતલકુંવરબા પણ આવી પહોંચ્યા હતા અને કરુણ ઘટના જોઇ બોલી ઉઠ્યા હતા કે આવી ઘટના મારા ગામમાં બની એ તો ના ચાલે.બાળકીના દાદી કાંતાબેને જણાવ્યું હતું કે સીતા આજે સવારે 8 વાગ્યે ઘર બહાર રમતી હતી ત્યારે પડોશી તેને ઉઠાવી ગયો હતો અને ઘરમાં લઇ જઇ કુહાડીનો ઘા મારી બલાવી ચડાવી દીધી હતી.