
દાહોદના દેવગઢ બારીઆની એસ.સી. મોદી હાઈસ્કૂલ કુવા યુનિટ-1માં ધોરણ 10ની પરીક્ષાના અંતિમ દિવસે એક વિદ્યાર્થીની તબિયત લથડી હતી. પરીક્ષા પૂર્ણ થવામાં માત્ર 20 મિનિટ બાકી હતી, ત્યારે વિદ્યાર્થીને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જોકે, તેને સમયસર સારવાર મળી ગઈ હતી. જેથી તે હાલ સારવાર હેઠળ છે. આ ઘટનાની જાણ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) હોસ્પિટલ દોડી ગયા હતા.
ઘટનાની જાણ તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારી અને ઝોનના ઈન્ચાર્જને કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ. દામા તરત જ દેવગઢ બારીઆ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે વિદ્યાર્થીની તબિયતની ખબર અંતર પૂછી અને તમામ જરૂરી મદદની ખાતરી આપી હતી.

વિદ્યાર્થીએ જિલ્લા શિક્ષણ અધિકારીની કાળજી અને સેવાભાવની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આવા નિષ્ઠાવાન અને પરોપકારી અધિકારી મળ્યા તે બદલ દાહોદ જિલ્લો નસીબદાર છે.