મહિસાગર જિલ્લાની ત્રણેય નગરપાલિકાના પ્રમુખ જાહેર: લુણાવાડામાં ડૉ.કીર્તિ પટેલ, બાલાસિનોરમાં ગાયત્રીબેન ત્રિવેદી અને સંતરામપુરમાં નિશાબેન મોદીની વરણી

ગત 16 ફેબ્રુઆરીએ યોજાયેલ નગર પાલિકાની ચૂંટણીમાં મહીસાગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવ્યો હતો. આજે આ ત્રણેય નગરપાલિકાઓમાં નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. લુણાવાડા નગરપાલિકામાં ડૉ. કીર્તિકુમાર રમણલાલ પટેલને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેમની સાથે દિનેશભાઈ લક્ષ્મણભાઈ ડામોર ઉપપ્રમુખ અને સમીરભાઈ રસિકપ્રસાદ મહેતા કારોબારી ચેરમેન તરીકે નિયુક્ત થયા છે.

બાલાસિનોર નગરપાલિકામાં ગાયત્રીબેન જયકુમાર ત્રિવેદી પ્રમુખ બન્યા છે. હિતેશભાઈ ભગુભાઈ ભરવાડ ઉપપ્રમુખ અને પરસોતમદાસ સવાભાઈ કટારીયા કારોબારી ચેરમેન તરીકે ચૂંટાયા છે. સંતરામપુર નગરપાલિકામાં નિશાબેન રસિકલાલ મોદીને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જીતેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ઝાલા ઉપપ્રમુખ અને સ્નેહલકુમાર નરેન્દ્રકુમાર મહેતા કારોબારી ચેરમેન તરીકે નિમાયા છે.

નવનિયુક્ત પ્રમુખોનું ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા ફૂલહાર પહેરાવી અને મીઠાઈ ખવડાવીને સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે ઢોલ-નગારા અને ફટાકડાની આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી. નવા પ્રમુખોએ પોતાના વિસ્તારમાં વિકાસ કાર્યો કરવાની ખાતરી આપી છે.