હરિયાણા-મથુરાના હિસ્ટ્રીશીટર દાહોદથી ઝડપાયા:છત્તીસગઢથી ડમ્પર ચોરીને ભાગ્યા હતા, ડ્રોનની મદદથી પોલીસે ખેતરમાંથી ઉઠાવ્યા

ગુજરાતમાં બનતી ગુનાઓની ઘટનાઓ પર અંકુશ લગાવવા હવે પોલીસ પણ હાઇટેક બની છે. દાહોદ પોલીસે અગાઉ અનેક વખત ડ્રોનની મદદથી આરોપીઓને ઝડપ્યા છે. તો આજે વધુ બે હિસ્ટ્રીશીટર આરોપીઓને પોલીસે ડ્રોનથી મદદથી ઝડપી પાડ્યા છે. જે આરોપીઓ છત્તીસગઢના મુંગેલીથી ડમ્પર ચોરીને ફરાર થયા હતા.

26 ફેબ્રુઆરીએ છત્તીસગઢથી ભાગ્યા હતા ઘટનાની વિગતે વાત કરીએ તો ગત 26 ફેબ્રુઆરીના રોજ છત્તીસગઢના મુંગેલીના બરેલા ગામની ગજેન્દ્ર ટાયરની દુકાન સામે ડ્રાઈવર દીપક નિષાદે ડમ્પર પાર્ક કર્યું હતું અને દુકાનમાં ચાવી મૂકીને તે ઘરે ગયા હતા. જે બાદ અજાણ્યા શખ્સો આ 45 લાખની કિંમતનું ડમ્પર ચોરીને ફરાર થઇ જતાં દીપક નિષાદે ફરિયાદ નોંધાવી હતી.

આ તરફ આ દાહોદ એલ.સી.બી પોલીસને માહિતી મળી હતી કે આ આરોપીઓ દાહોદ તરફ આવી રહ્યા છે. જેથી પોલીસ વોચમાં હતી. આ દરમિયાન પોલીસને અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કતવારા ગામ નજીક નંબર વગરની શંકાસ્પદ સ્કોર્પિયો દેખાઈ હતી, જેથી પોલીસે પીછો કર્યો હતો. આ દરમિયાન જાલત ગામ નજીક ચાલક સ્કોર્પિયો કાર મૂકીને મકાઈના ખેતરમાં સંતાઈ ગયો અને ચોરીના ડમ્પરના ચાલકો પણ વાહન મૂકીને ભાગી છૂટ્યા હતા.

આરોપીઓ મકાઈનાં ખેતરમાં સંતાઈ જતાં પોલીસે ડ્રોન કેમેરાથી ખેતરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને મકાઈનાં ખેતરમાંથી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા અને 45 લાખનું ડમ્પર અને સ્કોર્પિયો કબજે કર્યાં છે. પકડાયેલા આરોપીઓમાં એક હરિયાણા અને બીજો મથુરાનો રહેવાસી છે. બંને પોલીસ રેકોર્ડમાં હિસ્ટ્રીશીટર છે. અન્ય બે આરોપીઓ હજી ફરાર છે. દાહોદ પોલીસને આ કામગીરી કરવા બદલ રાજ્યના પોલીસ વડાએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે.