
ગુજરાત સહિત દેશભરમાંથી વિદેશ જવાની ઘેલછા વધી રહી છે. એમાં પણ અમેરિકાનું તો મહેસાણા જિલ્લાના લોકોને ઘેલું લાગ્યું છે. લોકો જીવના જોખમે પણ લાખો રૂપિયા ખર્ચીને અમેરિકા જવાનો પ્રયાસ કરે છે. હાલમાં અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયોમાં પોતાનો પુત્ર પરત આવશે તેવી આશા સાથે એક પરિવાર રાહ જોઈ રહ્યો છે. અન્ય 9 વિદેશવાંચ્છુઓ સાથે ₹75 લાખમાં ડીલ કરીને અમેરિકા જવા નીકળેલો હેડુવાનો યુવક ગુમ છે. પરિવાર તે ડોમેનિકા પહોંચ્યો ત્યાં સુધી સંપર્કમાં હતો, જોકે, ત્યારબાદ તેના કોઈ વાવડ નથી. પરિવારે કબૂતરબાજ એજન્ટો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
9ના ગ્રુપમાં સુધીર પણ અમેરિકા નીકળ્યો હતો મહેસાણાના હેડુવા ગામનો સુધીર પટેલ અમેરિકા જવા નીકળ્યો હતો. બે વર્ષ અગાઉ ઉત્તર ગુજરાતમાંથી કુલ 9 વ્યક્તિનું ગ્રુપ એજન્ટ મારફતે અમેરિકા જવા નીકળ્યું હતું. બે વર્ષ અગાઉ કબૂતરબાજના સંપર્કમાં આવેલા સુધીર પટેલે રૂ. 75 લાખમાં અમેરિકા જવા ડીલ કરી હતી. ડીલ કર્યા બાદ એજન્ટે રૂ. 10 લાખ યુવાન પાસેથી પડાવ્યા હતા. પરંતુ 9 વિદેશવાંચ્છુકો સાથે અમેરિકા જવા નીકળેલો સુધીર પટેલનો આજદીન સુધી કોઈ પત્તો લાગ્યો નથી. બે વર્ષ અગાઉ અમેરિકા જવા નીકળેલો યુવક ગુમ થતા પરિવારે કબૂતરબાજ એજન્ટો સામે ગુનો નોંધાવ્યો હતો.

સુધીરનો ભાઈ રવિ પટેલે જણાવ્યું હતું કે, મારો ભાઈ આજથી બે વર્ષ અગાઉ અમેરિકા જવાના સપના જોતો હતો. એ વખતે એજન્ટ સાથે મુલાકાત કરી, એજન્ટ મારા ભાઈને વર્ક પરમિટ પર અમેરિકા લઈ જવાનું કહ્યું હતું. અમેરિકા જવા એજન્ટ સાથે 75 લાખમાં ડીલ ફિક્સ કરી હતી, જેમાં જમીન વેચી 10 લાખ એડવાન્સ એજન્ટને આપ્યા હતા. મારો ભાઈ અહીંયાથી મુંબઈ ગયો, મુંબઈથી ડોમિનિકા સુધી તેનો સંપર્ક થતો હતો. ત્યારબાદ તેનો કોઈપણ કોન્ટેક્ટ થયો નથી. આ વાતને બે વર્ષ થઈ ગયા છે. અમે ઘણી કોશિશ કરી, એજન્ટ પર કેસ પણ કર્યો છે.

રવિ વધુમાં જણાવે છે કે, એમ્બેસીમાં પણ વાત કરી અને હાલ અમેરિકાથી જે વિમાનોમાં ડિપોર્ટ કરેલા લોકોને લાવવામાં આવી રહ્યા છે, એમાં અમે ધ્યાનથી વાંચીએ છીએ કે ક્યાંક મારા ભાઈનું નામ આવી જાય. બે વર્ષ પહેલા 9 જણા સાથે અમેરિકા જવા નીકળ્યા હતા, જેમાં 7 પુરુષ હતા, 2 મહિલા હતી. આટલી માહિતી મારા ભાઈએ મને આપી હતી. સરકાર પર પૂરેપૂરી આશા છે કે અમારી મદદ કરે અને ગુમ થયેલા ભાઈને શોધવા મદદ કરે અને ઝડપી પાછો આવે એવી આશા સરકાર પાસે છે.
ધવલ પટેલે જણાવ્યું કે હતું કે, પટેલ સુધીર કુમાર અશોકભાઈ જે અભ્યાસ બાદ હોટલ સંભાળતા હતા. તેઓનું પહેલાંથી સપનું હતું કે, અમેરિકા સ્થાયી થાઉં. તેઓએ વર્ક પરમીટ પર કામ આપ્યું હતું. 75 લાખમાં ડીલ થઈ હતી, 10 લાખ એડવાન્સ આપ્યા હતા. છેલ્લે તેઓનો સંપર્ક એક વર્ષ પહેલા થયો હતો. હાલ અમને ખબર નથી કે, એ ક્યાં છે? કેવી રીતે છે? તેઓની કોઈ ભાળ નથી.એવી આશા છે કે ભાઈ જલદી પાછો આવી જાય.
ડોલરિયા દેશમાં જવાની ઘેલછામાં સુધીર પટેલનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. આ સ્થિતિમાં હવે અમેરિકાથી ડિપોર્ટ થઈ રહેલા ભારતીયોમાં પોતાનો પુત્ર સુધીર પરત આવશે તેવી આશા સાથે પરિવાર કાગડોળે રાહ જોઈ રહ્યો છે. આમ મહેસાણાના હેડુવા ગામના સુધીર પટેલનો અમેરિકા જવાનો કિસ્સો બે-નંબર(ગેરકાયદે)માં જીવને જોખમમાં મૂકી અમેરિકા જવા ઇચ્છતા લોકો માટે લાલબત્તી સમાન છે.