
ટેક્સટાઈલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. શૃંગી બ્રાહ્મણ સમાજના 28 વર્ષીય બ્રેઈનડેડ નરેન્દ્ર પ્રેમબિહારી શૃંગીના હાથ સહિત કિડની અને ચક્ષુઓનું દાન શૃંગી પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરી 5 વ્યક્તિને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. ગુજરાતમાં પહેલીવાર હાથનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. સુરતની કિરણ હોસ્પિટલમાં ગોવાની રહેવાસી 25 વર્ષીય યુવતીમાં હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. સુરતથી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા છઠ્ઠા હાથનું દાન છે.
નરેન્દ્રને હાથ-પગમાં નબળાઈ લાગતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો સેલવાસાના વડપાડા ખાતે પોતાના પરિવાર સાથે રહેતો અને પ્રાઈવેટ વાહન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો 28 વર્ષીય નરેન્દ્ર પ્રેમબિહારી શૃંગીને તા. 9 જાન્યુઆરીના રોજ જમણા પગ અને હાથમાં નબળાઈ લાગતાં કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. નિદાન માટે CT સ્કેન અને MRI કરાવતાં મગજમાં સોજો અને હેમરેજ હોવાનું નિદાન થયું હતું, તેથી મગજની એન્જિયોગ્રાફી કરી (DSA) કેમિકલ પ્લાસ્ટી કરી હતી. તા. 16 જાન્યુઆરીના રોજ નરેન્દ્રને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.

28 ફેબ્રુઆરીએ ડૉક્ટરે બ્રેઇનડેડ જાહેર કર્યો હતો તા. 22 ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર ચેકઅપ માટે કિરણ હોસ્પિટલ આવ્યો હતો. ત્યાં તેને ભૂખ લાગતાં કેન્ટીનમાં નાસ્તો કરવા માટે ગયો હતો. નાસ્તો કરતાં-કરતાં તે બેભાન થઇ ગયો હતો, તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરી હતી. નિદાન માટે CT સ્કેન કરાવતાં મગજની લોહીની નસ ફાટી ગઈ હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ. ભૌમિક ઠાકોરે મગજમાં જામેલું લોહી બહાર કાઢવા અને દબાણ ઓછું કરવા મગજમાં નળી મૂકી હતી. 28 ફેબ્રુઆરીના રોજ ડૉક્ટરની ટીમે નરેન્દ્રને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.
પરિવારને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું કિરણ હોસ્પિટલ દ્વારા ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી નરેન્દ્રના બ્રેઈનડેડ અંગે જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી નરેન્દ્રની પત્ની રોશની, માતા ગુલાબીબેન, ભાઈ ધર્મેશ, બહેન પ્રિયા, બનેવી ચેતન રાજાણી, સસરા રાજુભાઈ મકવાણા, સાસુ શાંતુબેન મકવાણા, સાળો જિગર, ભાભી સરસ્વતીને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને એનું મહત્ત્વ સમજાવ્યું હતું. નરેન્દ્રની પત્ની રોશની તેમજ તેની માતા અને ભાઈએ જણાવ્યું કે અમારું સ્વજન બ્રેઈનડેડ છે, શરીર રાખ જ થઈ જવાનું છે ત્યારે એના જેટલાં પણ અંગોનું દાન થઈ શકતું હોય એ બધાં જ અંગોનું દાન કરાવીને જે દર્દીઓને એની જરૂર હોય તેમને આપી નવજીવન આપવા માટે આપ આગળ વધો. નરેન્દ્રના પરિવારમાં તેની પત્ની રોશની (ઉં.વ. 26), સેલવાસામાં બ્યૂટિપાર્લરમાં બ્યૂટિશિયન તરીકે કાર્ય કરે છે. માતા ગુલાબીબેન (ઉં.વ. 52), રખોલી, સેલવાસામાં R.R કેબલ લિ.માં બ્રિડિંગ મશીન ઓપરેટર તરીકે કાર્ય કરે છે. ભાઈ ધર્મેશ (ઉં.વ. 33) સેલવાસામાં હોટલ કૃષ્ણામાં રિસેપ્શનિસ્ટ તરીકે કાર્ય કરે છે.
ગોવાની 25 વર્ષીય યુવતીમાં બ્રેઇનડેડ યુવકના હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતાં SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા બે કિડની અને હાથ સુરતની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવ્યાં હતાં. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલમાં સુરતના રહેવાસી, 44 વર્ષીય વ્યક્તિ અને 40 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલા હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોવાની રહેવાસી 25 વર્ષીય યુવતીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌપ્રથમ વખત હાથનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરતથી છઠ્ઠા હાથનું દાન કરાવવામાં આવ્યું હતું.
20 વર્ષ પહેલાં ગુજરાતમાં ફક્ત કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થતું હતું ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 20 વર્ષ પહેલાં વર્ષ 2005માં ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલા દ્વારા સુરતમાં અંગદાન પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે ગુજરાતમાં ફક્ત કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થતું હતું. આજે ગુજરાતમાં કિડની ઉપરાંત લિવર, સ્વાદુપિંડ, હૃદય, ફેફસાં, હાથ અને ગર્ભાશયના પણ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, જેને કારણે ઓર્ગન ફેલ્યોરની સમસ્યાથી પીડાતા દર્દીઓને નવું જીવન જીવવાની આશા ઊભી થઇ છે.