
અમદાવાદના રસ્તા પર વાહન રોકવા બાબતે 28 ફેબ્રુઆરાની મોડીરાતે પોલીસ કર્મચારી અને વાહનચાલક વચ્ચે ઘર્ષણનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનાના બે વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં પોલીસકર્મી બેફામ બનીને ગાળો બોલી રહી છે અને બીજી તરફ યુવક વીડિયો ઉતારતો પણ દેખાઈ રહ્યો છે. આ વાત એટલી બધી ઉગ્ર બની હતી કે, પોલીસ કર્મચારી પોતાની કામગીરી છોડીને બેફામ ગાળો બોલતા દેખાઈ રહ્યા હતાં. એક જગ્યાએ તો વાહનચાલકને રિવોલ્વરથી ગોળી મારવાની ધમકી પણ આપી દીધી હતી. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે.

પોલીસકર્મીએ ગાળો બલતા ટ્રકચાલકે વીડિયો ઉતાર્યો પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, 28 ફેબ્રુઆરીને શુક્રવારની મોડી રાતે નરોડા રીંગરોડ પાસેથી ટ્રક અને લક્ઝરી બસ પસાર થઈ રહી હતી. તે સમયે બંને એકબીજાને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ સમયે ત્યાં નરોડા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ઊભી હતી. જેણે આ ટ્રકચાલક અને બસને રોકીને દંડ આપવાની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. તે સમયે બસચાલકે દંડની રકમ વધુ છે, તેમ કહીને પોલીસ સાથે રકઝક શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસ કર્મચારી દ્વારા અપશબ્દ બોલવાની શરૂઆત થતા, ત્યાં હાજર ટ્રકચાલકે વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું. આ ઘટનાના બે વીડિયો પણ સામે આવ્યાં છે.

આ વીડિયોમાં દેખાતા દૃશ્યો પ્રમાણે, બે પોલીસ કર્મચારી એક વ્યક્તિ સાથે ઉગ્ર બોલાચાલી કરી રહ્યા છેય જેમાં એક પોલીસ કર્મચારી બેફામ ગાળો બોલી રહ્યો છે, જ્યારે બીજો એક પોલીસ કર્મચારી રિવોલ્વરથી વાહનચાલકને મારવાની ધમકી પણ આપી રહ્યો છે. બાદમાં બસચાલકને પોલીલ વેનમાં બેચાડવાનો પ્રયાસ કરી ઝપાઝપી કરે છે. આ સમગ્ર મામલે હાલ તો પોલીસ દ્વારા ફરિયાદ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
આ મામલે અમદાવાદ ઝોન 4 ના ડીસીપી કાનન દેસાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ મામલો સામે આવ્યા બાદ તમે બબાલ કરનાર સામે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. જ્યારે પોલીસ કર્મચારી ગેરવર્તણૂક કરતા દેખાય છે, તેની સામે ખાતાકીય કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે અને તેને સસ્પેન્ડ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે.