
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના બદ્રીનાથ ધામ નજીક આવેલા માના ગામ પાસે એક ગ્લેશિયર તૂટવાના સમાચાર છે. અહેવાલો મુજબ, શુક્રવારે બપોરે ચમોલીમાં હિમસ્ખલન થયું હતું. જેમાં ચમોલી-બદ્રીનાથ હાઈવેનું કામ કરી રહેલા 57 મજૂરો દટાયા હતા.
આ ઘટના ચમોલીના માના ગામમાં બની, જ્યાં હાઈવેનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બપોરના સમયે અહીં ગ્લેશિયર તૂટી પડ્યું હતું. રસ્તા પર હાજર મજૂરો બરફમાં દટાઈ ગયા. 16ને બહાર કાઢવામાં આવ્યા છે.NDRF, SDRF, ITBP અને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ની ટીમો ઘટનાસ્થળે છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં 28 ફેબ્રુઆરીની મોડી રાત સુધી ભારે વરસાદ (20 CM સુધી)નું એલર્ટ આપ્યું છે.અત્યાર સુધીમાં 16 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બાકીના મજૂરોની શોધકોળ ચાલી રહી છે. IG રાજીવ સ્વરૂપે જણાવ્યુ કે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ દિવસથી સતત વરસાદ
જમ્મુ-કાશ્મીરમાં પણ ત્રણ દિવસથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. શુક્રવારે વહેલી સવારે ઉધમપુર જિલ્લાના મૌંગરી નજીક પહાડ પરથી પથ્થર પડતાં માતા અને પુત્રનું મોત થયું હતું. કઠુઆ જિલ્લાના રાજબાગ વિસ્તારમાં ઉઝ નદીમાંથી 11 લોકોને અને નીકી તવી વિસ્તારમાંથી 1 વ્યક્તિને બચાવી લેવામાં આવી હતી.

હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે સહિત ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામ જેવા પ્રવાસન સ્થળો સહિત ઘાટીના પહાડી વિસ્તારોમાં મધ્યમથી ભારે હિમવર્ષા થઈ હતી. ખરાબ હવામાનને કારણે ટ્રેન અને ફ્લાઈટને પણ અસર થઈ છે. ઉત્તરાખંડના ગંગોત્રીમાં 4 ફૂટ જેટલી હિમવર્ષા થઈ છે.
કુલ્લુમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા, કાટમાળ નીચે કાર દટાઈ

હિમાચલ પ્રદેશમાં 3 દિવસથી હિમવર્ષા અને વરસાદ પડી રહ્યો છે. લાહૌલ સ્પીતિ, ચંબા અને કિન્નૌર જિલ્લાના પાંગી-ભરમૌરમાં હિમવર્ષા બાદ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. 28 ફેબ્રુઆરીએ તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. કુલ્લુના અખાડા બજારમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. પૂરના કારણે અનેક વાહનો કાટમાળ નીચે દટાયા હતા.
24 કલાકથી ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે
ઉત્તરાખંડના ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી હિમવર્ષા થઈ રહી છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. કેદારનાથ ધામ, ત્રિયુગીનારાયણ, તુંગનાથ, ચોપતા અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. હવામાન વિભાગે પહાડી વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMD અનુસાર, ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ સહીત અન્ય જિલ્લાઓમાં વરસાદ અને હિમવર્ષાની સ્થિતિ બની રહેશે.