આગ્રામાં અતુલ સુભાષ જેવો કિસ્સો:TCSના IT મેનેજરની આત્મહત્યા, વીડિયોમાં યુવકે કહ્યું- પત્નીની હેરાનગતિથી કંટાળી ગયો છું; પત્નીએ આરોપોને ફગાવ્યા

આગ્રામાં AI એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યા જેવો જ એક મામલો સામે આવ્યો છે. આગ્રામાં IT કંપનીના એક મેનેજરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. TCS મેનેજરે પોતાની પત્નીથી નારાજ થઈને વીડિયો બનાવીને આત્મહત્યા કરી છે.

વીડિયોમાં મેનેજરે કહ્યું- માફ કરશો મમ્મી-પપ્પા. હું મારી પત્નીથી કંટાળી ગયો છું. કૃપા કરીને કોઈ તો પુરુષો વિશે વાત કરો, તેઓ ખૂબ જ એકલા પડી જાય છે. મારી પત્ની મને ધમકી આપે છે. આ 6.57 મિનિટનો વીડિયો 24 ફેબ્રુઆરીનો છે. મૃતકના પિતાએ સીએમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાએ બેંગલુરુના અતુલ સુભાષ આત્મહત્યા કેસની યાદ અપાવી છે.

જોકે પત્નીએ આરોપોને નકારી કાઢ્યા હતા. તેણે કહ્યું- પતિએ જે પણ આરોપો લગાવ્યા છે એ મારો ભૂતકાળ હતો. જે પણ હતું એ લગ્ન પહેલાં હતું. આ વાત સાંભળીને તેઓ ડ્રિન્ક કરવા લાગ્યા હતા.સદર વિસ્તારની ડિફેન્સ કોલોનીનો રહેવાસી માનવ શર્મા મુંબઈમાં TCSમાં રિક્રૂટમેન્ટ મેનેજર તરીકે કામ કરતો હતો. એરફોર્સમાંથી નિવૃત્ત પિતા નરેન્દ્ર શર્માએ જણાવ્યું – પુત્રના લગ્ન 30 જાન્યુઆરી 2024ના રોજ બરહન સાથે થયા હતા.

પિતા નરેન્દ્ર શર્માએ કહ્યું, લગ્ન પછી પુત્રવધૂ પણ તેના દીકરા પાસે મુંબઈ ગઈ હતી. થોડા દિવસો બધું બરાબર ચાલ્યું, પણ તે પછી પુત્રવધૂ દરરોજ ઝઘડવા લાગી. તેણે પરિવારને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવાનું શરૂ કર્યું. પુત્રવધૂ તેના બોયફ્રેન્ડ સાથે રહેવાની વાત કરતી હતી. અમને લગ્ન પહેલાં કહેવામાં આવ્યું નહોતું કે પુત્રવધૂનું પહેલેથી જ કોઈ અન્ય સાથે અફેર હતું. જો અમને ખબર હોત તો અમે ક્યારેય તેની સાથે પુત્રના લગ્ન ન કરાવ્યા હોત.

23 ફેબ્રુઆરીના રોજ પુત્રવધૂ અને પુત્ર મુંબઈથી ઘરે આવ્યાં. એ જ દિવસે માનવ તેની પત્નીને મૂકવા માટે તેનાં સાસરિયાંના ઘરે ગયો હતો. ત્યાં માનવને તેના સાસરિયાં દ્વારા ધમકી આપવામાં આવી. બીજા દિવસે (24 ફેબ્રુઆરી) સવારે 5 વાગ્યે દીકરાએ ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી.

અમે તેને હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. 26 ફેબ્રુઆરીના રોજ હું ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયો. ત્યાંના પોલીસકર્મીઓએ કેસ નોંધવાનો ઇનકાર કર્યો. કહ્યું કે અધિકારીઓ મહાશિવરાત્રિની ડ્યૂટી પર છે. હું ઘરે પાછો ફર્યો. પછી મેં સીએમ પોર્ટલ પર ફરિયાદ પત્ર લખ્યો.

માનવે વીડિયોમાં કહ્યું- હું તો જતો રહીશ. પણ પુરુષો વિશે વિચારજો, કૃપા કરીને કોઈ તો પુરુષો વિશે વાત કરો. બિચારા ખૂબ જ એકલા હોય છે. પપ્પા માફ કરશો, મમ્મી માફ કરશો, અક્કુ સોરી. મારા ગયા પછી બધું ઠીક થઈ જશે.

માનવે કહ્યું- મેં પહેલાં પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી તે રડવા લાગે છે. છેલ્લી ઘડીએ હસે છે. છેલ્લી ઘડીએ પોતાનાં આંસુ લૂછતાં- લૂછતાં તે કહે છે, ડોન્ટ ટચ માય પેરેન્ટ.

આ માનવ શર્માની પત્ની નિકિતા છે. તેણે આરોપોને ખોટો ગણાવ્યા છે.

પત્ની નિકિતા શર્માએ કહ્યું- માનવે ત્રણ વખત ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. એકવાર મેં જાતે જ ફાંસો કાપીને તેમને બચાવ્યા હતા. તેમને બચાવ્યા પછી હું તેમને આગ્રા લઈ આવી. તેઓ ખુશીથી મને ઘરે મૂકીને ગયા હતા. પત્ની નિકિતાએ વધુમાં કહ્યું હતું કે એ કહેવું ખોટું છે કે પુરુષોનું કોઈ સાંભળતું નથી.

પત્નીએ કહ્યું- તેઓ મને મારતા હતા. ડ્રિન્ક પણ કરતા હતા. મેં તેમનાં માતા-પિતાને આ વાત કહી, પરંતુ તેમણે કહ્યું – તમારે પતિ-પત્ની બંનેએ એકબીજાને સમજવાં જોઈએ, ત્રીજું કોઈ આવશે નહીં. જે દિવસે તેઓ મૃત્યુ પામ્યા, મેં તેમની બહેનને કહ્યું, પરંતુ તેમણે તેને ઈગ્નોર કર્યુ. જે દિવસે માનવની ડેડબોડી આવી એ દિવસે હું તેમના ઘરે ગઈ હતી, પણ બે દિવસ પછી તેમણે મને ધક્કો મારીને કાઢી મૂકી હતી.

ઇન્સ્પેક્ટરે કહ્યું- પરિવારના સભ્યોએ કોઈ ફરિયાદ આપી ન હતી

ઇન્સ્પેક્ટર સદર વિરેશ પાલગિરિએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ સમયે પરિવારે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. ગુરુવારે મોડી રાત્રે વ્હોટ્સએપ પર ફરિયાદ મળી હતી. આ મામલે કેસ નોંધવામાં આવી રહ્યો છે.