- આ કાયદાના વિરોધમાં ઘણી મહિલાઓએ, હિજાબ વિનાના માથા ઉપરથી પોતાના વાળ કાપી નાખ્યા અને હિજાબની હોળી પ્રગટાવી હતી.
ઇરાન,
હિજાબ પહેરવાના મુદ્દે ઈરાનમાં ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શન આખરે સફળ થઈ રહ્યાં હોય તેમ જણાય છે. લોક આક્રોશનો સામનો કરી રહેલી ઈરાની સરકારે, મહિલાઓ માટેના કડક હિજાબ કાયદા પર પુન:વિચાર કરવાનો નિર્ણય કર્યો છે. હિજાબ ના પહેરવા બદલ અટકાયત કરાયેલ ૨૨ વર્ષની યુવતી મહસા અમીનીનું મૃત્યું ગત ૧૩ અને૧૪ સપ્ટેમ્બરના રોજ થયું હતું. ઈરાન પોલીસે અમીનીની અટકાયત એટલા માટે કરી હતી કે તેણે હિજાબ પહેર્યો નહોતો કે માથું પણ ઢાંક્યું ન હતું. ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરવો કે માથુ ઢાંકવું ફરજિયાત છે. હિજાબ મુદ્દે અટકાયેત કરાયેલ મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં થયેલ મૃત્યુ, ઈરાનમાં ઉગ્ર વિરોધનું કારણ બન્યું હતું. સેંકડો મહિલાઓ અને પુરૂષો જાહેર રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ કાયદાને દેશમાંથી હટાવવાની માંગ કરવા લાગ્યા. હવે એમ કહેવું ખોટું નહીં હોય કે લોક પ્રદર્શનો અને તેના કારણે વિશ્ર્વમાં ઈરાન સરકાર સામે ફેલાયેલા રોષને લઈને ઈરાન સરકારને હચમચાવી દીધી છે.
ઈરાનની સંસદ અને ન્યાયતંત્ર હવે હિજાબને લગતા કડક કાયદાની સમીક્ષા કરી રહી છે. આ જાણકારી ઈરાનના એટર્ની જનરલ મોહમ્મદ જાફર મોંતાજેરીએ તાજેતરમાં આપી છે. જો કે હિજાબને લગતા કડક કાયદામાં કેવા પ્રકારનું પરિવર્તન થઈ શકે છે તે તેમણે જણાવ્યું નથી. એટર્ની જનરલે કહ્યું કે કાયદામાં સમીક્ષા કરનાર ટીમ બુધવારે સંસદના સાંસ્કૃતિક આયોગને મળી હતી અને જરૂરી ચર્ચા વિચારણા અને પુછપરછ કરી હતી. જેના ફળ સ્વરૂપે આગામી એક-બે અઠવાડિયામાં નિર્ણય આવી શકે છે.
ઈરાનમાં ૧૯૭૯ સર્જાયેલ ક્રાંતિના ચાર વર્ષ પછી એટલે કે ૧૯૮૩ (એપ્રિલ)માં, ઈરાનમાં તમામ મહિલાઓ માટે હિજાબ એટલે કે સ્કાર્ફ પહેરવો ફરજીયાત કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર ૨૦૨૨માં મહસા અમીનીના મૃત્યુ પછી, આ હિજાબ પ્રથા સામે પ્રજામાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. હિજાબ પ્રથા સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ કરી રહેલી મહિલાઓએ માથું ઢાંકવાનું છોડી દીધું હતું. આ કાયદાના વિરોધમાં ઘણી મહિલાઓએ, હિજાબ વિનાના માથા ઉપરથી પોતાના વાળ કાપી નાખ્યા અને હિજાબની હોળી પ્રગટાવી હતી.
મહસા અમીનીના મૃત્યુને લઈને વિરોધ કરનારાઓમાં એટલો બધો ગુસ્સો હતો કે તેઓ સરકાર સામે રોડ ઉપર ઉતરી આવ્યા હતા અન હિંસા ઉપર ઉતરી આવ્યા હતા. જાહેરમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. મુસ્લિમ મૌલવીઓના માથા પરથી પાઘડી પણ ઉતારી ફેકાવી હતી. વિરોધ પ્રદર્શનનમાં ભાગ લેનાર મહિલાઓ હિજાબ કાયદાનો સરેઆમ ભંગ કરી રહી હતી. ઈરાનમાં ૧૬ સપ્ટેમ્બરથી શરૂ થયેલું આંદોલન એટલું વ્યાપક પણે પ્રસર્યું હતુ કે સરકાર ડરી ગઈ છે. જો કે ઈરાનમાં વર્તમાન કાયદાઓમાં સુધારો કરવા માટે રૂઢિચુસ્તો પર પણ આધાર રાખવામાં આવે છે. રૂઢિચુસ્તો માનવું છે કે મહિલાઓ માટે માથું ઢાંકવું જરૂરી છે. જ્યારે ઈરાનમાં સુધારાવાદીઓનું કહેવું છે કે ઈરાને હવે રૂઢિચુસ્ત વિચારસરણીમાંથી બહાર આવવું જરૂરી છે.