અમદાવાદમાં સફાઈકર્મીની દીકરીની કેનેડાથી જાન:ઢોલ-શરણાઈ સાથે વિદેશી જમાઈએ સાત ફેરા ફર્યા, કેનેડાથી 18-20 જાનૈયાઓ જાનમાં જોડાયા

આજના યુગમાં નાતજાતના ભેદભાવ હજુ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે પણ પ્રેમ સીમાઓને વટાવી શકે છે, જેનો સાક્ષાત દાખલો અમદાવાદના ખોખરા વિસ્તારના એક પરિવારની દીકરી શ્રદ્ધાએ પૂરું પાડ્યું. શ્રદ્ધા, જે સફાઈ કામદારના પરિવારથી આવે છે અને હવે કેનેડાના બિઝનેસમેન જીનની જીવનસંગિની બની રહી છે.

કેનેડામાં અભ્યાસ માટે ગઈ ને જીન સાથે મુલાકાત થઈ શ્રદ્ધાના પિતા સુનિલભાઈએ પોતાની આર્થિક પરિસ્થિતિને છતાં પણ દીકરી માટે શ્રેષ્ઠ શિક્ષણની વ્યવસ્થા કરી. સમાજની સ્કોલરશીપ દ્વારા શ્રદ્ધાએ ફિઝિયોથેરાપીનો અભ્યાસ પૂર્ણ કર્યો અને વધુ અભ્યાસ માટે કેનેડા ગઇ. ત્યાં અભ્યાસ દરમિયાન જીન સાથે મુલાકાત થઈ, જે બાદ તેઓએ કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું.

જીન 9 ફેબ્રુઆરી, 2025ના રોજ તેના પરિવાર સાથે ભારતમાં આવ્યો અને ગઈકાલે એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ શ્રદ્ધા અને જીન હિન્દુ પરંપરા મુજબ લગ્ન બંધનમાં જોડાયા. કેનેડાના 18-20 પરિવારજનો પણ આ શુભ પ્રસંગમાં જોડાયા. ખાસ વાત એ હતી કે, વિદેશી જમાઈએ સંપૂર્ણ ભારતીય રીત-રિવાજ અપનાવ્યા.

શ્રદ્ધા અને જીનના લગ્ન એક પરંપરાગત ભારતીય લગ્નના દરેક વિધિ સાથે સંપન્ન થયા. વિદેશી જાનૈયાઓ પણ ગુજરાતી પોશાકમાં ધમાલ મચાવતાં જોવા મળ્યા. જીન અને તેના માતા-બહેને ભારતીય પરિવારની જેમ તમામ વિધિઓમાં સહભાગીતા દર્શાવી.

આ લગ્ન માત્ર બે વ્યક્તિઓનો નહીં પણ વિવિધ સંસ્કૃતિઓનો સુમેળ છે. શ્રદ્ધા એક સફળ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કેનેડામાં પ્રેક્ટિસ કરી રહી છે અને જીન સાથે તેનું નવું જીવન શરૂ કરી રહી છે. પરિવાર અને સમાજે આ લગ્નને રાજીખુશીથી સ્વીકાર્યા છે. આ પ્રેમકથા સાબિત કરે છે કે, પ્રેમ માટે કોઈ સરહદો હોતી નથી.