આણંદના NRIને હનીટ્રેપમાં ફસાવવાનો કેસ:અમેરિકાથી આવેલા વૃદ્ધ પાસે રૂપિયા પડાવનાર મુખ્ય સુત્રધાર મહિલાને બિલોદરા જેલમાં, ત્રણ સાગરીતો સબજેલમાં ધકેલાયાં

સૂરતની એક મહિલા અને તેના ત્રણ સાગરીતોએ અમેરિકા સ્થિત આણંદના NRI વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી ખંડણી માગવાના ગુનામાં જેલભેગા થયા છે. મુખ્ય આરોપી કાજલબેન પરબતને બિલોદરા જેલમાં અને અન્ય ત્રણ આરોપીઓને આણંદ સબજેલમાં મોકલવામાં આવ્યા છે.

કાજલબેને એક મહિના પહેલા 51 વર્ષીય મનિષકુમાર પટેલ સાથે ફેસબુક પર મિત્રતા કેળવી હતી. મનિષભાઈ અમેરિકાથી આણંદ આવ્યા ત્યારે કાજલ તેમને મળવા આવી હતી. વેન્ડર ચોકડી પર મુલાકાત દરમિયાન કાજલના સાગરીતો સ્વિફ્ટ કારમાં આવ્યા હતા. તેમાંથી એક વ્યક્તિએ પોતાની ખોટી ઓળખ પોલીસ તરીકે આપી મનિષભાઈને બળાત્કાર, ડ્રગ્સ અને એટ્રોસિટીના કેસમાં ફસાવવાની ધમકી આપી 5 લાખ રૂપિયાની માગણી કરી હતી. આરોપીઓએ પીડિતના ખિસ્સામાંથી 7,500 રૂપિયા પણ પડાવી લીધા હતા.

પીડિતની ફરિયાદના આધારે આણંદ એલસીબીએ કાર્યવાહી કરી હતી. પોલીસે પીડિત મારફતે આરોપીઓને આંગડિયા પેઢી પર બોલાવ્યા હતા, જ્યાંથી કાજલબેન (જે કિંજલ અને હેતલ તરીકે પણ ઓળખ આપતી હતી), ચિરાગ જાદવ (જે અજય પોલીસ તરીકે ઓળખ આપતો હતો), હર્ષદ જાદવ અને ભાવેશ ભાંભણીયાની ધરપકડ કરવામાં આવી હતી. એક દિવસના રિમાન્ડ બાદ તમામ આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.