સંસદમાં વિદેશ મંત્રીએ કહ્યું- ભારતીયોના દેશનિકાલની ઘટના પહેલીવાર નથી:પ્રિયંકાએ કહ્યું- મોદી-ટ્રમ્પ સારા મિત્રો, તો આવું કેમ થયું?; હાથકડી પહેરીને વિપક્ષનું વિરોધ પ્રદર્શન

વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે સંસદમાં અમેરિકામાંથી ભારતીયોને બહાર કાઢવાના મુદ્દા પર નિવેદન આપ્યું. જયશંકરે રાજ્યસભામાં કહ્યું- આ પહેલી વાર નથી જ્યારે ભારતીયોને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા હોય.

આ 2009થી થઈ રહ્યું છે. અમે ક્યારેય ગેરકાયદેસર મૂવમેન્ટના પક્ષમાં નથી. આ કોઈપણ દેશની સુરક્ષા માટે ખતરો બની શકે છે. બીજી તરફ, કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આપણા નાગરિકો સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો.ભારતીયોના દેશનિકાલના મુદ્દા પર સંસદમાં દિવસભર હોબાળો થયો. વિપક્ષી સાંસદોએ ‘સરકાર શરમ કરો’ ના નારા લગાવ્યા. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું – સરકાર તમારી ચિંતાથી વાકેફ છે. આ વિદેશ નીતિનો મુદ્દો છે.

વિપક્ષના સાંસદોએ બહાર આવીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું. કેટલાક સાંસદોના હાથમાં હાથકડી પહેરેલી જોવા મળી હતી. પોસ્ટરો પણ લહેરાવ્યા જેના પર લખ્યું હતું- બેડિયો મેં હિન્દુસ્તાન, નહીં સહેંગે યે અપમાન.

હવે જુઓ ભારતીય નાગરિકોના દેશનિકાલની એ તસવીર, જેના કારણે હોબાળો મચી ગયો…

દેશનિકાલ મુદ્દે વિપક્ષના 5 સવાલ, વિદેશ મંત્રીના જવાબ

સવાલ: શું સરકારને ખબર હતી કે ભારતીયોને પાછા મોકલવામાં આવી રહ્યા છે? જવાબ: અમને ખબર છે કે ગઈકાલે 104 લોકો પાછા ફર્યા છે. અમે જ તેમની પુષ્ટિ કરી છે કે તે ભારતીય છે.

સવાલ: ભારતીય નાગરિકોને હાથકડી કેમ લગાવવામાં આવી? જવાબ: ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાથકડી પહેરાવવાની અમેરિકન સરકારની નીતિ છે.

સવાલ: મોદી અને ટ્રમ્પની આ કેવી મિત્રતા, જે દેશનિકાલ ના રોકી શકી? જવાબ: ભારતીયોનો અમેરિકામાંથી દેશનિકાલ પહેલીવાર નથી. આ 2009થી ચાલુ છે.

સવાલ: ભારતીય નાગરિકો સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કેમ કરવામાં આવ્યો? જવાબ: અમે યુએસ સરકાર સાથે સતત સંપર્કમાં છીએ. જેથી ખાતરી કરી શકાય કે તેમની સાથે દુર્વ્યવહાર ન થાય.

સવાલ: શું સરકાર જાણે છે કે અમેરિકા કહી રહ્યું છે કે 7 લાખ 25 હજાર ભારતીયોને બહાર કાઢવામાં આવશે? જવાબ: અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ પરત ફરતા દરેક વ્યક્તિ (અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા ભારતીય) સાથે બેસીને તેઓ અમેરિકા કેવી રીતે ગયા, એજન્ટ કોણ હતું તે શોધે. આવું ફરી ન બને તે માટે અમે સાવચેતી રાખીશું.