પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ગામમાં ખોડીયાર માતાજીના મંદિરે 37મા પાટોત્સવની ભવ્ય ઉજવણી દરમિયાન એક અનોખો પ્રસંગ સર્જાયો હતો. ભારતના પ્રવાસે આવેલા પોલેન્ડના ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર ડેવિડ અને તેમની ટીમે મંદિરની મુલાકાત લઈ ભારતીય સંસ્કૃતિનો અનુભવ કર્યો.
પાટોત્સવ પ્રસંગે દૂર દૂરથી આવેલા ભાવિકોના વિશાળ સમુદાયને જોઈને વિદેશી મહેમાનો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે મંદિર પરિસરમાં ચાલી રહેલા હવન કાર્યક્રમનું શૂટિંગ કર્યું અને સ્થાનિક ભાવિકો સાથે “જય ખોડીયાર મા”નો જયજયકાર પણ કર્યો.
ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાઓથી પ્રભાવિત થયેલા ડેવિડ અને તેમની ટીમે પાટોત્સવ સાથે જોડાયેલા મેળાની પણ મુલાકાત લીધી. તેમણે કંકુ-કેસરથી શણગારેલા માતાજીને વંદન કર્યા અને ભંડારા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. ભારતીય લોકોની અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવથી તેઓ વિશેષ પ્રભાવિત થયા. આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં ભાવિકોએ માતાજીના દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો.