અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની કહાની:’મારી પુત્રી યુરોપ જવાનું કહીં અમેરિકા પહોંચી હતી’; 33માં સૌથી વધુ પટેલ અને ઉત્તર ગુજરાતના, 8 સગીર

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ભારતીયો સહિતના નાગરિકોને ડિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે. અમેરિકન એરફોર્સનું વિમાન ત્યાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને લઈ પંજાબના અમૃતસર પહોંચી ચૂ્કયું છે. વિમાનમાં જે 33 ગુજરાતીઓ છે તે આવતીકાલ સુધીમાં અમદાવાદ આવે તેવી શક્યતા છે. જે 33 ગુજરાતીઓ પરત ફરી રહ્યા છે તેઓનું લિસ્ટ ભાસ્કરને મળ્યું છે. જેમાં સૌથી વધુ પટેલ અને ઉત્તર ગુજરાતના છે. ઉત્તર ગુજરાતના 28, મધ્યના 4 અને દક્ષિણ ગુજરાતના 1 વ્યકિતનો સમાવેશ થાય છે. જ્યારે 8 સગીર પણ ભારત પરત ફરી રહ્યા છે.

33 ગુજરાતીઓમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતના 28 લોકો અમેરિકાથી જે 33 ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. . જે 33 ગુજરાતીઓ પરત ફરી રહ્યા છે તેમાં 28 લોકો ઉત્તર ગુજરાતના છે. જ્યારે 4 લોકો મધ્ય ગુજરાતના અને એક વ્યકિત દક્ષિણ ગુજરાતનો છે. જે 33 લોકો છે તેમાં 10 પટેલો છે. ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેમાં 33માંથી 8 સગીર છે.

મારી દીકરી યુરોપના પ્રવાસે ગઈ હતી: કનુભાઈ મહેસાણાના વિજાપુરના ડાભલા ગામમાં રહેતી નિકિતા પણ ઘરે પરત ફરી છે. આ અંગે બાળકીના પિતા કનુભાઈ પટેલે જણાવ્યું કે તેમની પુત્રી વિઝા લઈને બે બહેનપણી સાથે યુરોપના પ્રવાસે ગઈ હતી, પરંતુ તેણીએ અમેરિકા ગઈ હોવાનું પરિવારને જણાવ્યું ન હતું. નિકિતાના અમેરિકાથી પરત ફરવાના સમાચારથી પરિવારના સભ્યો પરેશાન છે.

નિકિતાના પિતાએ આગળ જણાવ્યું કે નિકિતા એક મહિના પહેલા વિઝા લઈને બે મિત્રો સાથે યુરોપ ગઈ હતી. ત્યારપછી અમે છેલ્લે 14-15 જાન્યુઆરીએ વાત કરી હતી. એ વખતે યુરોપમાં રહેવાની જ વાત હતી, અમેરિકા જવાની વાત નહોતી. અમને મીડિયા દ્વારા જાણવા મળ્યુ કે ગુજરાતમાંથી 33 લોકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે. તાજેતરમાં તેણીએ M.Sc.નો મારો અભ્યાસ પૂરો કર્યો છે પણ અહીં કોઈ નોકરી નહોતી. તેમજ નિકિતા આગળ શું કરવાની હતી તેનો અમને કોઈ ખ્યાલ ન હતો.

નિકિતાના પિતાએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયને ખોટો ગણાવતા કહ્યું કે ગુજરાત અને પંજાબના ઘણા લોકો અમેરિકામાં રહે છે. તેમને પાછા મોકલવા જોઈએ નહીં. તેમજ ઘણા લોકો પૈસા ખર્ચીને ત્યાં ગયા હોવાથી પરિવારને તકલીફ થશે.

બોરૂ ગામના ગોહિલ પરિવારના ત્રણ સભ્ય અમેરિકાથી ભારત પરત ફર્યા આ સાથે જ ગાંધીનગર જિલ્લાના બોરૂ ગામના ગોહિલ પરિવારના ત્રણ સભ્યો પણ અમેરિકાથી ભારત પરત ફર્યા છે, જેમાં કિરણસિંહ ગોહિલ, તેમના પત્ની મિત્તલબેન અને પુત્ર હેયાંશનો સમાવેશ થાય છે. આ ત્રણેય લોકો એક મહિના પહેલા જ અમેરિકા ગયા હતા.

આ અંગે કિરણસિંહની માતાએ જણાવ્યું કે તેમનો પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર થોડા દિવસ પહેલા અમેરિકા ગયા હતા. તે અમેરિકા કેવી રીતે ગયો તેની તેની પાસે કોઈ માહિતી નથી. તે જ સમયે, જ્યારે કિરણની માતાને ખબર પડી કે તે ભારત પાછો આવી રહ્યો છે, ત્યારે તે ભાવુક થઈ ગઈ અને કહ્યું કે તે પાછો આવે તો સારું રહેશે, તે છેલ્લા 15 દિવસથી તેની સાથે વાત થઈ શકી નથી. તે તેના પુત્રને લઈ ચિંતિત છે.

ગ્રામજનોનું કહેવું છે કે કિરણના અમેરિકા જવા અંગે તેમને કોઈ માહિતી નથી. તેણે કહ્યું કે તેના પરિવાર પાસે કૌટુંબિક જમીન છે. આ સિવાય તેમનો દીકરો અહીં નાની-મોટી નોકરી કરતો હતો.

અમેરિકાથી પરત ફરેલા ગુજરાતના લોકો

વ્યકિતનું નામજિલ્લો
જયેન્દ્રસિંહમહેસાણા
હિરલબેનમહેસાણા
સતંવતસિંહપાટણ
કેતુલકુમારમહેસાણા
પ્રેક્ષાગાંધીનગર
જિગ્નેશકુમારગાંધીનગર
રૂચીગાંધીનગર
પિન્ટુકુમારઅમદાવાદ
ખુશ્બુબેનવડોદરા
સ્મિતગાંધીનગર
શિવાનીઆણંદ
જીવણજીગાંધીનગર
નિકિતાબેનમહેસાણા
એશાભરૂચ
જયેશભાઈઅમદાવાદ
બીનાબેનબનાસકાંઠા
એન્નીબેનપાટણ
કેતુલકુમારપાટણ
મંત્રાપાટણ
કિરણબેનમહેસાણા
માયરાગાંધીનગર
રિશિતાબેનગાંધીનગર
કરણસિંહગાંધીનગર
મિતલબેનગાંધીનગર
હેયાંશસિંહમહેસાણા
ધ્રુવગીરીગાંધીનગર
હેમલમહેસાણા
હાર્દિકગીરીમહેસાણા
હિમાનીબેનગાંધીનગર
એંજલગાંધીનગર
અરુણાબેનમહેસાણા
માહીગાંધીનગર
જિગ્નેશકુમારગાંધીનગર

ત્યાંથી પરત ફરતા લોકોને ગુનેગાર તરીકે નહીં સહાનુભૂતિથી જોવામાં આવે- નીતિન પટેલ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમેરિકાએ જે લોકોને ડિપોર્ટ કર્યા છે તેમાં ગુજરાતીઓ પણ છે. ત્યાંથી જે લોકો પરત આવી રહ્યા છે તેઓ ગુનેગાર નથી, તેઓને સહાનુભૂતિ પૂર્વક જોવામાં આવે. આ લોકો ત્યાં કામધંધા માટે ગયા હતા. ત્યાં પૈસા કમાતા હતા અને પોતાના પરિવારને અને વધુ કમાય તો ગામને પણ મદદ કરતા હતા. ગુજરાતીઓએ અમેરિકામાં કોઈ ગંભીર ગુનો કર્યો નથી.

કેટલાક પરિવારો સાથે ભાસ્કરે વાતચીતનો પ્રયાસ કર્યો અમેરિકાથી ડિપોર્ટ કરાયા બાદ જે 33 ગુજરાતીઓ ભારત પરત ફર્યા છે અને આવતીકાલ સુધીમાં પોતાના વતન પરત ફરે તેવી શક્યતા છે. આ પૈકીના મહેસાણા અને ખેડા જિલ્લાના જે લોકો પરત આવી રહ્યા છે તેઓના પરિવારજનો સાથે વાતચીતનો પ્રયાસ કર્યો હતો પરંતુ, પરિવારજનોએ હાલ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. કેટલાક લોકો તો 6-7 મહિના પહેલા જ અમેરિકા ગયા હોવાનું જાણવા મળ્યું છે.

25 દિવસ પહેલા અમેરિકા ગયેલી વડોદરાની યુવતીને ડિપોર્ટ કરાઈ અમેરિકાથી જે 33 ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેમાં વડોદરા જિલ્લાની એક યુવતીનો પણ સમાવેશ થાય છે. જેના ગાંધીનગર જિલ્લાના યુવક સાથે લગ્ન થયા બાદ તે અમેરિકા ગઈ હોવાનું સામે આવ્યું છે. વડોદરા જિલ્લાના એક ગામમાં રહેતા યુવતીના કાકાએ જણાવ્યું હતું કે, મારી ભત્રીજી 25 દિવસ પહેલા અમેરિકા ગઈ હતી અને ત્યાંની સરકારે તેને ડિપોર્ટ કરી છે. તે ગામમાં પરત આવશે પછી જ ખબર પડશે કે તેને કેમ ડિપોર્ટ કરી છે. અમને તેની કોઈ માહિતી નથી. અમેરિકાએ ગુજરાત અને ભારતના લોકોને ડિપોર્ટ કર્યા છે. તો ભારતમાં વસતા બહારના લોકોને પણ આપણે હાંકી કાઢવા જોઈએ. આ બધાનો દેશ નિકાલ કરવો જોઈએ. અમેરિકા આ પગલું ભરી શકતું હોય તો ભારતે પણ આ નિર્ણય કરવો જોઈએ.

યુરોપથી અમેરિકા ગયેલી મહેસાણાની યુવતીને ડિપોર્ટ કરાઈ અમેરિકાથી જે 33 ગુજરાતીઓને ડિપોર્ટ કરાયા છે તેમાં 12 મહેસાણા જિલ્લાના જ હોવાનું સામે આવ્યું છે. મહેસાણાથી એક મહિના પહેલા જ અમેરિકા ગયેલી યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, અમારી દીકરીએ mscનો અભ્યાસ કર્યો છે અને અહીંયા જોબ સારી મળી નહોતી બાદમાં તેણે યુરોપ ફરવા જવાનું હોવાથી 1 માસ અગાઉ તે પોતાની બે બહેનપણી સાથે ગઈ હતી. ત્યારે બાદ છેલ્લે મારી સાથે વાત 15 જાન્યુઆરી થઈ ત્યારબાદ વાત થઈ નથી. દીકરી અમેરિકા કેવી રીત પહોંચી એ અમને પણ જાણ નથી. વધુમાં જણાવ્યું કે, અહીંયા જોબ ન મળતા લોકો ત્યાં આવક મેળવવા જતા હોય છે. અમેરિકાનો આ નિર્ણય યોગ્ય નથી. પૈસા ભરી લોકો જાય છે બાદમાં ઘરે આવી હવે બરબાદ થશે. દીકરી ઘરે આવશે ત્યારે તેને અમે નાની મોટી નોકરી કે બ્યુટી પાર્લર સેટ કરીશું.

પાટણના એક જ પરિવારના ચાર લોકો પરત આવ્યા પાટણના એક વૃદ્ધે કહ્યું હતું કે, તેમના પરિવારના ચાર લોકો ત્યાંથી પરત આવી રહ્યા છે. તેઓ સુરત હીરા ઘસવા માટે ગયા હતા પરંતુ, ત્યાં હીરામાં મંદી આવતા તેઓ એજન્ટ મારફત અમેરિકા ગયા હતા.

અમેરિકામાં ગેરકાયદે રહેતા 33 ગુજરાતી પરત ફર્યા અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા ગુજરાત સહિત ભારતીયોને ત્યાંથી પરત ભારત મોકલવામાં આવ્યા છે. જેઓ આજે બપોરે અમૃતસર એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે.અમેરિકાથી જે ભારતીયો પરત આવી રહ્યા છે તેમાં 33 ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું છે. જેમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના 12-12 લોકો, સુરતના 4, અમદાવાદના 2 અને ખેડા, વડોદરા અને પાટણના 1-1 વ્યક્તિઓ છે.

ગુજરાતના લોકોને અમૃતસરથી અમદાવાદ લવાશે મળતી માહિતી મુજબ ભારતીય લોકોને લઈને અમેરિકન એરફોર્સનું જે વિમાન અમૃતસર પહોંચ્યું છે. તેમાં જે 33 ગુજરાતીઓ સામેલ છે. તેઓને આવતીકાલ સુધીમાં અમદાવાદ લાવવામાં આવશે.