ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં કૌટુંબિક ઝઘડાનું મનદુઃખ રાખીને પિતા-પુત્રએ છરી વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.ભુજ તાલુકાના રતિયા ગામના મામદ અબ્દુલ્લા ભોરિયાની ફરિયાદ મુજબ, તેમના કૌટુંબિક ભાઈઓ ફારુક અને આશીફનો ઈસ્માઈલ નૂરમામદ સમા સાથે ઝઘડો થયો હતો. સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે ઈસ્માઈલ, તેના પુત્રો જબાર અને નવાબ તથા એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવી પહોંચ્યા હતા.
ઈમરજન્સી ગેટ પાસે કેસ પેપર કઢાવતી વખતે આરોપીઓએ ગાળાગાળી શરૂ કરી અને નવાબે નેફામાંથી છરી કાઢીને મામદ ભોરિયાના ગળા પર હુમલો કર્યો હતો. મામદ નીચે નમી જતાં તેના માથા અને હાથ પર ઘા પડ્યા હતા. જબારે પણ મામદના ભાઈ પર હુમલો કર્યો હતો.હોસ્પિટલના સુરક્ષા સ્ટાફે વધુ હિંસા અટકાવી હતી. પોલીસે ઈસ્માઈલ નૂરમામદ સમા, જબાર ઈસ્માઈલ સમા અને નવાબ ઈસ્માઈલ સમા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.
ચિંતાજનક બાબત એ છે કે અદાણી સંચાલિત આ હોસ્પિટલમાં સામાન્ય રીતે કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં, ઘટના સમયે વિના તપાસે લોકોને પ્રવેશ અપાયો હતો. હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી આ ગંભીર ઘટના અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ ઘટના હોસ્પિટલની પોલીસ ચોકી સામે જ બની હોવાથી સુરક્ષા વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઉભા થયા છે