અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી વધુ ઝડપી કરી છે. સોમવારે, અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને એક લશ્કરી વિમાન ભારત માટે રવાના થયું છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સ મુજબ, સોમવારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને એક C-17 વિમાને ભારત આવવા માટે ઉડાન ભરી છે, પરંતુ તેને પહોંચવામાં ઓછામાં ઓછા 24 કલાક લાગશે.આ ફ્લાઇટમાં 205થી વધુ લોકો હોવાની શક્યતા છે. આમાંથી ઘણાં ગુજરાતીઓ પણ હોઈ શકે છે.
ખરેખરમાં, ટ્રમ્પે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટું ડિપોર્ટેશન કરવાનું વચન આપ્યું હતું. આ પછી, ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ 15 લાખ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની યાદી તૈયાર કરી, જેમાં 18,000 ભારતીયોનો પણ સમાવેશ થાય છે.
ટ્રમ્પે પહેલાં 11 દિવસમાં 1700 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની અટકાયત કરી
ટ્રમ્પે સત્તા સંભાળ્યાના પ્રથમ 11 દિવસમાં 25 હજારથી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની અટકાયત કરવામાં આવી હતી. ટ્રમ્પની આઈસ ટીમ (ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ)એ 12 રાજ્યોમાં દરોડા પાડ્યા હતા.
અહેવાલો અનુસાર સૌથી વધુ દરોડા રિપબ્લિકન રાજ્યોમાં પડ્યા છે. જેમાંથી 1700 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ભારતીયોની અટકાયત કરવામાં આવી હતી.
આ દરમિયાન, મેક્સિકો સરહદેથી ઘૂસણખોરીની ઘટનાઓમાં 94% ઘટાડો થયો છે. બાઈડનના કાર્યકાળ દરમિયાન, આ વર્ષે 1 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી વચ્ચે દરરોજ ઘૂસણખોરીની સરેરાશ 2087 ઘટનાઓ બની હતી. જ્યારે ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ 20 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી આ આંકડો ઘટીને 126 પર આવી ગયો છે.
અમેરિકામાં 7.25 લાખ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ છે
પ્યુ રિસર્ચ સેન્ટરના ડેટા મુજબ, અમેરિકામાં લગભગ 7.25 લાખ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ રહે છે. આ આંકડો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ત્રીજી સૌથી મોટી સંખ્યા છે. પ્રથમ સ્થાને મેક્સિકોના ઇમિગ્રન્ટ્સ છે અને બીજા સ્થાને અલ સાલ્વાડોરના ઇમિગ્રન્ટ્સ છે.
ગયા મહિને, ભારત સરકારે કહ્યું હતું કે ભારત હંમેશાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોની વાપસી માટે તૈયાર છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે ભારત તપાસ કરી રહ્યું છે કે અમેરિકામાં કેટલા ભારતીયો ગેરકાયદેસર રીતે રહે છે અને તેમને પાછા મોકલી શકાય છે કે નહીં. જો કે, તેમણે એમ પણ કહ્યું કે આવા લોકોની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી.
ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસના પ્રવાસીઓને પણ ડિપોર્ટ કરવામાં આવ્યા
યુએસ રક્ષા મંત્રાલય પેન્ટાગોને ટેક્સાસના એલ પાસો અને કેલિફોર્નિયાના સાન ડિએગોમાં અટકાયતમાં કરેલા 5,000થી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશોમાં મોકલવા માટે લશ્કરી વિમાન દ્વારા મદદ પૂરી પાડવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી, ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસના પ્રવાસીઓને લશ્કરી વિમાન દ્વારા અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે.