ગુજરાતનો ‘ઝોળી’દાર વિકાસ!:ખરાબ રસ્તાના અભાવે 108 ન પહોંચી, પ્રસૂતાને ઝોળીમાં લઈ જવા લોકો મજબૂર; મહિલાએ હોસ્પિટલમાં મૃત બાળકને જન્મ આપ્યો

છોટા ઉદેપુરમાં એક શરમજનક ઘટના બની હતી. ગાંધીજી હંમેશાં ગામડાંના વિકાસની વાત કરતા હતા, પરંતુ તેમના મૃત્યુના આટલાં વર્ષો બાદ પણ જાણે તેમની આ ઈચ્છા સરકાર અને તંત્રની ઈચ્છાશક્તિના અભાવે અધૂરી જ રહી ગઈ છે. ગામડાના ખરાબ રસ્તાના અભાવે 108 ન પહોંચી ન શકતાં પ્રસૂતા મહિલાને ઝોળી નાખીને લઈ જવા ગામલોકો મજબૂર બન્યા હતા. એક કિલોમીટર ઝોળીમાં અને ત્યાર બાદ એક ખાનગી વાહન અને અંતે 108માં મહિલાને હોસ્પિટલ ખસેડાઇ હતી, જ્યાં મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. જો કે, હાલ મહિલાની હાલત સ્વસ્થ છે.

છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે. જેને લઇને અહીંયા પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. રોડ, રસ્તા, આરોગ્ય, સારું શિક્ષણ માટે અહીંયા લોકો તરસી રહ્યા છે, પરંતુ આઝાદીના આટલા વર્ષો સુધી હજુ સુધી આ પ્રાથમિક સુવિધાઓથી અંતરિયાળ વિસ્તાર વંચિત રહેવા પામ્યો છે. જેને કારણે ઘણીવાર ખૂબ જ દર્દનાક ઘટનાઓ ઘટી રહી છે. જેનો દાખલો તુરખેડાની પ્રસૂતા મહિલાનો છે. જેને સરકાર તેમજ હાઈકોર્ટને નોંધ લેવા મજબૂર કરાઈ દીધા હતા. આવી જ વધુ એક ઘટના નસવાડી ખાતે ઘટી છે.

નસવાડી તાલુકાના કુંડા ગામના નલિયાબારી ફળીયામાં રહેતી એક પ્રસૂતાને 30 જાન્યુઆરીની રાત્રે લગભગ 10 વાગ્યે પ્રસુતિની પીડા ઉપડી હતી, પરંતુ નલિયાબારી સુધી રસ્તો ન હોવાથી પરિવારજનો મુસીબતમાં મુકાઈ ગયા હતા. જેથી પરિવારજનોએ લાકડા ઉપર કાપડની ઝોળી બનાવીને પ્રસૂતા મહિલાને ઝોળીમાં નાખીને એક કિલોમીટર દૂર જ્યાં થોડો પાકો રસ્તો છે ત્યાં સુધી ઝોળીમાં લઇ ગયા હતા. ત્યાંથી નિશાના ગામ સુધી એક ખાનગી ગાડીમાં લઈ ગયા હતા અને ત્યાંથી 108 મારફતે ગઢ બોરિયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે મહિલાની પ્રસુતિ કરાવી હતી. જો કે, મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો.

મહત્વની વાત એ છે કે, છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આજે પણ રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે. જેને કારણે અવારનવાર પ્રસૂતા મહિલાઓને અને અન્ય દર્દીઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે. એક બાજુ સરકાર વિકાસના દવા કરી રહી છે તો બીજી બાજુ અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં રસ્તો બનાવી ન શકતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.