હાલોલ નગરપાલિકા ચૂંટણી: ભાજપના મેન્ડેટથી ઉથલપાથલ:વોર્ડ 1માં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાયા, રબારી સમાજમાં રોષ; કેટલાક નારાજ કાર્યકરોએ અપક્ષ તરીકે ઝંપલાવ્યું

હાલોલ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપે 36 બેઠક માટે 30 ઉમેદવારને મેન્ડેટ આપ્યા છે. આજે ઉમેદવારીપત્રો ભરવાના દિવસે પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો તેમના સમર્થકો સાથે હાજર રહ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને જિલ્લા ભાજપ મહામંત્રી મયંકભાઈ દેસાઈની હાજરીમાં ઉમેદવારોએ વાજતે-ગાજતે ફોર્મ ભર્યા હતા.

પક્ષ તરફથી ટિકિટ મેળવવા ઇચ્છતા 115 ઉમેદવારમાંથી માત્ર 30ને જ મેન્ડેટ મળ્યા છે. વોર્ડ 1માં મોટો વિવાદ સર્જાયો છે, જ્યાં છેલ્લી ઘડીએ કમલાબેન રબારીનું નામ કપાતા રબારી સમાજમાં ભારે નારાજગી જોવા મળી છે. કેટલાક નારાજ કાર્યકરોએ ભાજપના હોદ્દા અને પક્ષમાંથી રાજીનામું આપીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે.

ખાસ કરીને લઘુમતી મતદારોની બહુમતી ધરાવતા વોર્ડ 3 અને 5માં ભાજપે માત્ર એક-એક હિન્દુ ઉમેદવારને જ મેન્ડેટ આપ્યો છે. વોર્ડ 3માં જીતુભાઈ રાઠોડ અને વોર્ડ 5માં કોકિલાબેન સોલંકીને ટિકિટ આપવામાં આવી છે. આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ભાજપે કાં તો લઘુમતી મતદારોની ઉપેક્ષા કરી છે અથવા મુસ્લિમ ઉમેદવારોને અપક્ષ તરીકે ચૂંટણી લડાવી, જીત્યા બાદ પક્ષમાં સામેલ કરવાની રણનીતિ અપનાવી છે.

શિવરાજપુર જિલ્લા પંચાયતની ખાલી પડેલી મહિલા બેઠક માટે પણ એક મહિલા ઉમેદવારને મેન્ડેટ આપવામાં આવ્યો છે. બપોરે 3 વાગ્યા સુધી વધુ નારાજ કાર્યકરો અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે.