મંગલિયાણા તાલુકા પંચાયત બેઠકની પેટાચૂંટણી:ભાજપના દેવેન્દ્રકુમાર પગી સહિત 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, ત્રણેય પક્ષો વચ્ચે રસાકસી

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની મંગલિયાણા તાલુકા પંચાયત બેઠકની પેટાચૂંટણી માટે આજે ઉમેદવારી નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપના ઉમેદવાર તરીકે દેવેન્દ્રકુમાર વિજયભાઈ પગીએ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું.

આ બેઠક માટે કુલ ચાર ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જેમાં અરવિંદસિંહ ભારતસિંહ બારિયા, દેવેન્દ્રકુમાર વિજયસિંહ પગી, બળવંતસિંહ રાયજીભાઈ પગી અને રાહુલભાઈ ગણપતભાઈનો સમાવેશ થાય છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે.

ભાજપના ઉમેદવારના ફોર્મ ભરવા સમયે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠક, પૂર્વ શહેરા તાલુકા પ્રમુખ મગનભાઇ પટેલીયા, શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ડૉ. કિરણસિંહ બારીઆ સહિત અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પણ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભર્યા હતા. ભાજપે આ બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પેટાચૂંટણીમાં ત્રણેય પક્ષો વચ્ચે કડાકેદાર જંગ જામે તેવી શક્યતા છે.