64 IAS અધિકારીઓની બદલી, 4ને પ્રમોશન:પંકજ જોશીએ CS તરીકે ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં જ વહીવટી માળખામાં ધરમૂળથી ફેરફાર, AMC કમિશનર બદલાયા

રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં જ રાજ્યના વહીવટી માળખામાં ધરમૂળથી ફેરફાર કર્યા છે. એક સાથે 64 IAS અધિકારીઓની બદલી અને 4 IASને પ્રમોશન આપવામાં આવ્યા છે. અમદાવાદ મનપા કમિશનર એમ. થેન્નારસનની બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ બંછાનિધિ પાનીને મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ નગરપાલિકાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે તેની વચ્ચે રાજ્ય સરકાર ચૂંટણીપંચની મંજૂરી લઈ આજે IASની બદલીના આદેશ કર્યા હતા.

અમદાવાદ મનપા કમિશનર બદલાયા અમદાવાદ મનપા કમિશનર એમ. થેન્નારસનની રમતગમત અને યુવા સાંસ્કૃતિ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ ટેક્નિકલ એજ્યુકેશન વિભાગના કમિશનર બંછાનિધિ પાનીની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ કરે તેના પહેલાં જ તેમની બદલી કરી દેવામાં આવી છે. અમદાવાદના કલેક્ટર પ્રવિણા ડીકેને પણ પ્રમોશન આપીને GIDCના વાઈસ ચેરમેન તેમજ એમડી બનાવવામાં આવ્યા છે.

આ ચાર IAS અધિકારીઓને પ્રમોશન

  • ડો. વિનોદ રાવ
  • એમ.થેન્નારાસન (પ્રમોશન સાથે બદલી)
  • અનુપમ આનંદ
  • મિલિન્દ તોરવણે

9 જિલ્લાના કલેકટરો બદલાયા

  • જી.ટી.પંડ્યાની શિક્ષણ વિભાગના અધિક સચિવ તરીકે બદલી
  • રાહુલ ગુપ્તાની ક્લાઈમેટ ચેન્જ વિભાગના સચિવ તરીકે બદલી
  • સંદિપ સાંગલેની SAGના ડિરેક્ટર તરીકે બદલી
  • સુજીત કુમાર બન્યા અમદાવાદના નવા કલેક્ટર
  • વિશાલ ગુપ્તા AMCના ડેપ્યુટી કમિશનર બન્યા
  • કે.સી.સંપટને ઈન્ડ્રસ્ટીઝ અને માઈન વિભાગનો ચાર્જ સોંપવામાં આવ્યો
  • આર.એમ.તન્ના દ્વારકાના કલેક્ટર બન્યા
  • એસ.કે.પ્રજાપતિ મહેસાણા કલેક્ટર બન્યા
  • કે.બી.ઠક્કર જામનગર કલેક્ટર બન્યા
  • અનિલ ધામેલિયા વડોદરાના કલેક્ટર બન્યા
  • લલિત નારાયણ સાબરકાંઠાના કલેકટર બન્યા
  • રાજેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના કલેક્ટર બન્યા
  • ગાર્ગી જૈન છોટા ઉદેપુરના કલેક્ટર બન્યા

CS તરીકે ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં જોશીએ બદલીનો ગંજીફો ચીપ્યો રાજ્યના મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળવાના 24 કલાકમાં જ પંકજ જોષીએ ગુજરાત કેડરના આઈએએસની મોટાપાયે બદલી અને બઢતીના આદેશ કર્યા છે. રાજ્ય ચૂંટણી પંચની મંજૂરી બાદ આ તમામ બદલી અને બઢતી ના આદેશ આપવામાં આવ્યા છે. કહેવાય છે કે મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે પંકજ જોષી પણ ઘણા સમયથી અધિકારીઓની કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા હતા અને મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળવાની સાથે જ બદલી નો ગંજીપો ચીપ્યો હતો. જો કે , બદલીના ઓર્ડર થાય એ અગાઉ જ મુખ્ય સચિવ પંકજ જોષી પોતાની ઓફિસમાંથી રવાના થઈ ગયા હતા જેના કારણે શુભેચ્છા આપવા આવનારા લોકોને પણ ધક્કો ખાવાનો વારો આવી ચડ્યો હતો.