મધ્યપ્રદેશના પૂર્વ MLAનો પુત્ર પ્રેમ માટે ચેઇન સ્નેચર બન્યો:ઘરેથી ભાગી અમદાવાદ આવ્યો ને એક છોકરીના પ્રેમમાં પડ્યો; 15 હજારની નોકરીમાં પ્રેમિકાના મોજશોખ પુરા ન થતાં ગુનેગાર બન્યો

શહેરના ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના લોકઅપમાં કેદ એક ચેઇન સ્નેચર કોઇ રીઢો ગુનેગાર નહીં, પરતુ પ્રેમમાં આંધળો બનેલો પ્રેમી છે. પ્રેમિકાના મોજશોખ પુરા કરવા માટે યુવકે ચેઇન સ્નેચિંગ શરૂ કર્યુ જેમાં તે સફળ થાય તે પહેલા પોલીસે તેને ઝડપી લીધો હતો. યુવકની પુછપરછ કર્યા બાદ તેની હકીકત સાંભણીને પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. યુવક મધ્યપ્રદેશના કોગ્રેસના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્યનો પુત્ર છે. માતા-પિતા અને ઘર છોડીને યુવક અમદાવાદ આવી ગયો હતો અને 15 હજાર રૂપિયામાં નોકરી કરવા લાગ્યો હતો. નોકરી દરમિયાન યુવકને એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો જેમાં તેના મોજશોખ એટલા મોટા હતા કે તે પુરા કરી શક્યો નહીં અને અંતે ગુનાખોરીના રવાડે ચઢી ગયો હતો.

પ્રેમિકાના મોજશોખ પુરા કરવા ચેઇન સ્નેચિંગનો ગુનો કર્યો શહેરમાં દિવસને દિવસે ચેઇન સ્નેચિંગની ઘટનાઓ બનતી હોય છે. ચેઇન સ્નેચર્સના કારણે અમદાવાદીઓ ખૌફમાં જીવતા હોય છે ક્યાંક તેમના ગળામાંથી ચેઇન સ્નેચિંગ તો નહીં થઇ જાય ને. લોકોના મનમાં એક વિચાર આવતો હોય છે કે ચેઇન સ્નેચિંગ કરતી અલગ અલગ ગેંગ છે જે રાહદારી તેમજ વાહનચાલકોને ટાર્ગેટ કરતી હોય છે. તે દરમિયાન ઘાટલોડીયા પોલીસના સંકજામાં એક એવો યુવક આવ્યો છે કે જેણે કોઇ ગેંગ માટે નહીં, પરંતુ પ્રેમિકા માટે ચેઇન સ્નેચિંગનો ગુનો પહેલી વખત કર્યો હતો.

ગળામાંથી અઢી તોલાની ચેઇન કટર વડે તોડીને નાસી ગયો થલતેજ વિસ્તારમાં આવેલા જયઅંબેનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો 25 વર્ષિય પ્રદ્યુમનસિંઘ વિજેન્દ્રસિંઘ ચંદ્રાવત હાલ પોલીસની કસ્ટડીમાં છે. પ્રદ્યુમનસિંઘે થોડા દિવસ પહેલા એક મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કર્યુ હતું. 25 જાન્યુઆરીના રોજ રાતે મેમનગર રાજવી ટાવરમાં રહેતા 65 વર્ષિય વસંતીબેન ઐયર ચાલતા ચાલતા જતા હતા, ત્યારે એક યુવક તેમના ગળામાંથી અઢી તોલાની ચેઇન કટર વડે તોડીને નાસી ગયો હતો. યુવક પણ ચાલતો આવ્યો હતો અને ચેઇન સ્નેચિંગ કરીને દોડી ગયો હતો. વસંતીબેને આ મામલે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

15 હજાર રૂપિયાના પગારમાં નોકરી કરતો હતો પોલીસે વસંતીબેનની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.જેમાં સામે આવ્યુ હતું કે, આ ચેઇન સ્નેચિંગની ઘટના પ્રદ્યુમનસિંઘે કરી છે. પોલીસે પ્રદ્યુમનસિંઘની ધરપકડ કરીને પુછપરછ કરી હતી. પ્રદ્યુમનસિંઘ મધ્યપ્રદેશના નીમજ જિલ્લામાં આવેલા માલહેડા ગામનો રહેવાસી છે. પ્રદ્યુસિંઘના પિતા વિજેન્દ્રસિંઘ ચંદ્રાવત મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે. પ્રદ્યુમનસિંઘ ઘરથી કંટાળી ગયો હોવાથી તે અમદાવાદ આવી ગયો હતો અને ભાડાના મકાનમાં રહેતો હતો. પ્રદ્યુમનસિંઘ 15 હજાર રૂપિયાના પગારમાં નોકરી કરતો હતો અને તેનું ગુજરાન ચલાવતો હતો. પ્રદ્યુમનસિંઘને એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો જેના કારણે તેનો ખર્ચો વધી ગયો હતો. પ્રદ્યુમનસિંઘ જે યુવતીને પ્રેમ કરે છે તે અમદાવાદની રહેવાસી છે અને પોલીસે તેની પણ તપાસ શરૂ કરી છે.

પ્રદ્યુમનસિંઘે ગુનાખોરીના રસ્તે ચઢવાનો પ્લાનિંગ કરી લીધો પ્રેમિકાના ખર્ચા અને તેના મોજશોખ વધારે હતા જેના કારણે પ્રદ્યુમનસિંઘે ગુનાખોરીના રસ્તે ચઢવાનો પ્લાનિંગ કરી લીધો હતો. પ્રેમિકાને ખુશ રાખવા માટે તેણે શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ચેઇન સ્નેચિંગ કરવાનું નક્કી કરી લીધુ હતું. પ્રેમિકાને હાંસલ કરવા માટે તેણે 25 જાન્યુઆરીના રોજ વસંતીબેન ઐયરના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કર્યુ હતું,પરંતુ તે ગણતરીના દિવસોમાં ઝડપાઇ ગયો હતો. પ્રેમિકાને ખુશ કરવા માટે પ્રદ્યુમનસિંઘ ગુનાખોરીના રવાડે ચઢી ગયો છે અને જેના કારણે તેનુ જીવન પણ ખરાબ થઇ ગયું છે.

250થી વધુ સીસીટીવી ફુટેજ ચેક કરીને પોલીસ પ્રદ્યુમનસિંઘ સુધી પહોંચી શહેરમાં ચેઇન સ્નેચિંગના બનાવો વધી રહ્યા હતા જેને રોકવા માટે પોલીસે કમર કસી રહી હતી.ત્યારે મેમનગર વિસ્તારમાં ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો હતો. વૃદ્ધના ગળામાંથી અઢી તોલાની સોનાની ચેઇન સ્નેચિંગ થતાની સાથેજ પોલીસ એક્શન મોડ પર આવી ગઇ હતી. વસંતીબેને ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને હ્યુમનસોર્સને કામે લગાવ્યા હતા. હ્યુમન સોર્સની મદદથી આરોપી સંકજામાં નહીં આવતા પોલીસની તીસરી આંખ ગણાતા સીસીટીવીની મદદ લેવાઇ હતી. પોલીસે મેમનગર સહિત લગાવેલા 250થી વધુ સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા જેમાં પ્રદ્યુમનનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે સોનાના દાગીના જપ્ત કરીને તેના વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.