
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 35 વર્ષીય પરિણીત મહિલા પર સ્થાનિક લોકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે. મહિલા પર ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાનો આરોપ મૂકી 15 લોકોના ટોળાએ તેને નિર્વસ્ત્ર કરી ઢોરમાર મારી અને બાઇક પાઠળ સાંકળથી બાધી રોડ પર ઢસડી હતી. મહિલા પર અમાનવીય અત્યાચારનો વીડિયો પણ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ ઘટના 28મી જાન્યુઆરીની છે, જ્યારે પીડિત મહિલા એક વ્યક્તિના ઘરે હાજર હતી. આ સમયે 15 લોકોના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચી મહિલાને ઘરમાંથી બહાર ખેંચી કાઢી હતી. આરોપીઓએ મહિલાને માર માર્યો હતો અને બાદમાં નિર્વસ્ત્ર કરીને બાઇકના કેરિયર સાથે સાંકળથી બાંધી ગામમાં ફેરવી હતી. આટલું જ નહીં, આરોપીઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધો હતો.
મહિલા પર અમાનવીય અત્યાચારના વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે, ટોળું આક્રમક રીતે મહિલાને ઘેરીને તેનાં કપડાં કાઢી નાંખે છે. મહિલા આજીજી કરતી હોવા છતાં ટોળું નિર્દયતાથી સાંકળ વડે મહિલાને બાઇક પાછળ બાંધે છે અને નિર્વસ્ત્ર મહિલાને દોડાવી દોડાવીને ધોકા વડે માર મારે છે. બાઇક પાછળ બાંધેલી મહિલા હાંફી જાય છે અને આજીજી કરતી હોવા થતાં રોડ પર ઢસડે છે અને અપશબ્દો બોલી ગામમાં ફેરવવાની વાત કરે છે.
વીડિયો વાઇરલ થતાં પોલીસને જાણ થતાં પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી. પીડિત મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતાં પોલીસે 15 પૈકી 12 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે અન્ય ત્રણની શોધખોળ ચાલુ છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે.