આણંદ જિલ્લાના ખંભાત શહેરની સોખડા GIDC વિસ્તારમાં આવેલી ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝમાં 24 જાન્યુઆરીએ ATSએ દરોડા પાડી 107 કિલો અલ્પ્રાઝોલમ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ સમયે ઝડપાયેલા 6 પૈકીના એક આરોપીની પૂછપરછમાં તેણે અમદાવાદના ધોળકા નજીક એક વેરહાઉસમાં 500 કિલો ટ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો સંતાડ્યો હોવાની માહિતી મળતાં ATSએ દરોડો પાડી અંદાજે 50 કરોડની કિંમતનું ડ્રગ્સ કબજે કર્યું છે. આ જથ્થો અહીંથી આફ્રિકન કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરવાનું આયોજન હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતી ATSએ 24 જાન્યુઆરીએ ખંભાતમાંથી ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીમાંથી 107 કિલો ડ્રગ્સ ઝડપ્યું હતું. ડ્રગ્સ સાથે 6 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી એક આરોપીની તપાસ દરમિયાન આરોપીએ ધોળકા ખાતે પણ 500 કિલો ટ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો છુપાવી રાખ્યા હોવાનું સામે આવ્યું હતું. એના આધારે એટીએસે ધોળકાની કંપનીમાં પણ રેડ કરી હતી ત્યાંથી 500 કિલો ટ્રામાડોલ મળી આવ્યું છે. ATSએ ધોળકામાંથી 50 કરોડથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે.
ગુજરાત ATSએ 24 જાન્યુઆરીએ બાતમીના આધારે ખંભાત તાલુકાના નેજા ગામમાં આવેલી ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન 107 કિલો અલ્પ્રાઝોલમ નામનું ડ્રગ્સ મળ્યું હતું, જેની કુલ કિંમત 107 કરોડ રૂપિયા છે. ઉપરાંત 30 લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ડ્રગ્સના જથ્થા સાથે ATSએ છ આરોપીની ધરપકડ કરી હતી, જેની સામે ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી હતી.
ATSએ આરોપીની પૂછપરછ કરી ત્યારે મોટો ઘટસ્ફોટ થયો હતો. રણજિત ડાભી નામના આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપીએ ટ્રામાડોલ નામના 500 કિલોનો જથ્થો ધોળકાના એક ગોડાઉનમાં છુપાવી રાખ્યો હતો, જેના આધારે એટીએસએ ધોળકાના દેવમ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના ગોડાઉનમાં રેડ કરી હતી. રેડ દરમિયાન ગોડાઉનમાંથી 500 કિલો ડ્રામા ડોલનો જથ્થો મળ્યો હતો, જેની કિંમત અંદાજિત 50 કરોડ રૂપિયા છે. ઉપરાંત આ પેકિંગ કરવા માટે 49,800 પેકિંગ બોક્સ અને પેકેજિંગ ફોઈલના 6 રોલ પણ મળ્યાં હતા. તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
છેલ્લા આઠ મહિનાથી ગોડાઉનમાં ટ્રામાડોલનો જથ્થો એકત્ર કરાતો હતો ATSની તપાસમાં સામે આવ્યું છે કે ટ્રામાડોલનો જથ્થો આફ્રિકન દેશોમાં મોકલવાનો હતો. આ જથ્થો પેક કરવા માટેના અલગ અલગ સામગ્રી પણ રાખવામાં આવી હતી. છેલ્લા આઠ મહિનાથી આ ગોડાઉનમાં ટ્રામાડોલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. ગોડાઉનના માલિક કોણ છે અને અન્ય કોણ સંડાવાયેલું છે એમાં મામલે હાલ તપાસ ચાલી રહી છે.