પંચમહાલના દંપતીનું દિલ્હીમાં સન્માન : 5 વર્ષની આઈશાએ વડોદરામાં કરાટે ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચ્યો

વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયેલી વાડો ઈન્ડો-નેપાળ કરાટે ચેમ્પિયનશિપમાં ગોધરાની 5 વર્ષીય આઈશા ઝુબેર બેલીએ શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો છે. 18 અને 19 જાન્યુઆરીએ યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં 700થી વધુ ખેલાડી વચ્ચે આઈશાએ એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતી સૌનું ધ્યાન ખેંચ્યું છે.

ડિવાઇન્ડ વર્ડ કિન્ડર ગાર્ડન સ્કૂલની સિનિયર કેજીમાં અભ્યાસ કરતી આઈશાએ પોતાની ઉંમર જૂથમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. જિલ્લાકક્ષાની આ સ્પર્ધામાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સ્પર્ધકોએ પોતાની કરાટે કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું, જેમાં આઈશાની પ્રતિભા ઉભરી આવી હતી.

આ નોંધપાત્ર સિદ્ધિ બદલ શાળાના ફાધર રાજા, ઇન્ચાર્જ સિસ્ટર કૃપા અને સિનિયર કેજીના શિક્ષિકા ફોજીયા પઠાણે આઈશાને મેડલ અને પ્રમાણપત્ર આપીને વિશેષ સન્માન કર્યું હતું. માત્ર 5 વર્ષની ઉંમરે આઈશાની આ અસાધારણ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્રોત બની રહી છે અને રમતગમત ક્ષેત્રે નાની વયે મોટી સફળતા મેળવી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં માણેક પાર્ક, બામરોલી રોડ નિવાસી સર્વેશભાઈ અને સિદ્ધિબેન ગોલવેલકરને પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત વિશેષ સન્માન પ્રાપ્ત થયું છે. દંપતીએ માર્ચ 2024માં તેમના નિવાસસ્થાને સોલર પેનલ સ્થાપિત કર્યા હતા, જેના કારણે તેમને 26મી જાન્યુઆરી 2025ની ઉજવણી માટે દિલ્હી ખાતે વિશેષ મહેમાન તરીકે આમંત્રણ મળ્યું હતું.

નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીના હસ્તે તેમનું મોમેન્ટો અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. આ સફળતા માટે મધ્ય ગુજરાત વીજ કંપની ગોધરા શહેર પૂર્વ વિભાગના DE આર.વી. પટેલ અને JE ચિરાગ પારેખે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સોલર રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલર રૂદ્ર એન્ટરપ્રાઈઝના હાર્મીત પટેલ અને મેધાન્ત ત્રિવેદીએ પણ લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. રૂદ્ર એન્ટરપ્રાઇઝ છેલ્લા સાત વર્ષથી પંચમહાલ, વડોદરા, મહીસાગર, દાહોદ અને આણંદ સહિતના વિસ્તારોમાં વિશ્વસનીય સોલર ઇન્સ્ટોલેશન સેવાઓ પૂરી પાડી રહી છે. આ સન્માન સાથે પંચમહાલ જિલ્લાએ ઊર્જા સંરક્ષણ અને નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે નવું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આશા છે કે ભવિષ્યમાં વધુને વધુ નાગરિકો PM સૂર્યઘર યોજના હેઠળ મળતી સબસિડીનો લાભ લઈ જિલ્લાને ઊર્જા સંરક્ષણ ક્ષેત્રે અગ્રેસર બનાવશે.